
ગુજરાતમાં નકલી વ્યાવસાયિકો ઝડપાવવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નકલી પોલીસ અને નકલી ડોક્ટર ગુજરાતમાં ઠેક ઠેકાણેથી ઝડપાઈ રહ્યા છે. તાજેતરમાં જ વડોદરા, પાટણ, દાહોદ, સુરત તથા રાજકોટમાંથી નકલી તબીબો ઝડપાયા છે. એવામાં ફરીથી અમદાવાદમાંથી પિતા પુત્રની જોડી ડોક્ટર બનીને લોકોને સારવાર આપતા હતા અને આખરે બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં બોગસ દવાખાનું ઝડપાયું છે. આ બોગસ દવાખાનું ચલાવી પિતા પુત્રની જોડી ડોક્ટરની ઓળખ આપી લોકોનો ઈલાજ કરતા હતા. આ મામલે ઝોન 6 LCB એ અબ્દુલ શરીદ ઇસ્માઇલ શેખની ધરપકડ કરી છે. પિતા ધોરણ 12 પાસ અને દીકરો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન કોર્સ કરેલ હોવા છતાં બંને લોકોનો ઈલાજ કરતા હતા. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.