ગુજરાતના ત્રણ શહેરમાં ભયાનક અકસ્માત સર્જાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માત અમદાવાદ, સુરત અને વડોદરામાં થયા હતા. સુરતના કોઝંબા નજીક આજે એક ગંભીર ટ્રિપલ અકસ્માત થયો છે. મહુવેજ બ્રિજ પર ટ્રક, કાર અને બસ વચ્ચે અથડામણ થતાં નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.મળતી માહિતી મુજબ, મહુવેજ બ્રિજ પાસે એક ટ્રકે પાછળથી કારને ટક્કર મારી.
ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો
ટક્કર એટલી જોરદાર હતી કે કાર સીધી તેના આગળ જતી બસમાં ઘૂસી ગઈ. ટક્કરના કારણે કારનો ભુક્કો બોલાઈ ગયો હતો..કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેઓને તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પાનપાર્લરમાં કાર ઘૂસી
અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત થયો. એક બેકાબૂ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ અને પલટી મારી હતી. અ અકસ્માતમાં 1નું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આ અકસ્માતમાં ચાલકે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
એક યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત
ઘટનામાં કલ્પેશ અને ટુ-વ્હીલર ચાલકોને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કલ્પેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય બેને નાની ઈજાઓ થઈ હોવાથી તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કારનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જણાયું હતું, જેની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે 24 મેની રાતે એક કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્ધીમાં PSI જોવા મળ્યાં હતા. અકસ્માત સર્જનાર પી.એસ.આઇ વાય. એચ. પઢીયાર એટલી હદે નશામાં હતા કે, તેણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલો મળી આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે, નશામાં પી.એસ.આઇ વાય.એચ પઢીયાર રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા.