
Ahmedabad news: અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોનો સીલસીલો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે. જેના લીધે તંત્રને પણ માથાનો દુખાવો થઈ રહ્યો છે. આજે બપોરના સુમારે અમદાવાદ ગ્રામ્ય વટામણ-પીપળી હાઈવે પર બે પીક-અપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.
મળતી વિગતો અનુસાર, રાજ્યમાં માર્ગ અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે. આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ સતત વધી રહી છે. આજે 23 મે શુક્રવારની બપોરના સમયે અમદાવાદ ગ્રામ્યમાં આવેલા વટામણ-પીપળી હાઈવે પર ભરચક ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં અકસ્માત થયો હતો. જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. મોટી બોરુ ગામ પાસે બ્રિજની નીજક બે પીક-અપ ડાલા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે મહિલાઓનાં કરુણ મોત થયા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત અંગેની જાણ થતા પીપળી 108 દ્વારા ઈજાગ્રસ્તોને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઠ પોલીસે ઘટનાસ્થળે જઈ બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી સિવિલ ખસેડયા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.