
Ahmedabad News: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં વર્ષ 2014માં થયેલ લૂંટ વિથ મર્ડર કેસમાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. આરોપી વેશ પલટીને અલગ અલગ રાજ્યોમાં રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રમાં મેળામાં નોકરી કરે છે તે માહિતીના આધારે ધરપકડ કરી લીધી છે.
સાગરીતો સાથે મળીને સિક્યુરિટી મેનેજરની કરી હતી હત્યા
આરોપી અરવિંદ સેન મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાનો રહેવાસી છે. વર્ષ 2014માં આરોપી પોતાના અન્ય 6 સાગરીતો સાથે મળીને વટવા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવા ગયો હતો, પરંતુ ત્યાં સિક્યુરિટી મેનેજર જાગી જતા આરોપીઓ સાથે ઝપાઝપી થઈ હતી અને આરોપીઓએ સિક્યુરિટી મેનેજર સંતોષસિંહ ભદોરીયાની હત્યા કરી ફરાર થઈગયા હતા. આ કેસમાં 6 આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા પંરતુ અરવિંદ ફરાર હતો.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કુર્દુવાડી ગામમાંથી ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપી કર્ણાટક અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કુર્દુવાડી ગામમાં મેળામાં મજૂરી કરે છે અને તે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી. આરોપીની તપાસમાં સામે આવ્યું કે આરોપી હત્યા બાદ દિલ્હી અને સાંગલી ભાગી ગયો હતો. ઔરંગાબાદ, નાસિક, નેપાળ, મુંબઈ એમ અલગ અલગ જગ્યા વેશ બદલીને રહેતો હતો.
ક્રાઈમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે કે આરોપીનો ગુનાહિત ઈતિહાસ શું છે? અગાઉ તેણે કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ? આરોપીની ધરપકડ બાદ વટવા GIDC પોલીસને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.