Ahmedabad Plane Crash: ગત રોજ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ ગોઝારી દુર્ઘટનાને અત્યારે 30 કલાક જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે. હવે અહીં ક્રેશ થયેલા વિમાનનાં કાટમાળમાંથી હજી પણ ધૂમાડો નીકળી રહ્યો છે. ત્યાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવી રહી છે. વિમાન જે સ્થળે તૂટી પડયું હતું ત્યાં મેડિકલના 30 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેની સારવાર ચાલી રહી છે.
એર ઈન્ડિયાનું પ્લેન જ્યારે સળગતી સ્થિતિમાં જે ઘટનાસ્થળે ધરબાઈ ગયું હતું ત્યાંથી 3 જેટલા પ્રોફેસરો ગુમ હોવાનું સૂત્રો અનુસાર સામે આવ્યું છે. મૃતકોના પરિવારજનોનાં ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ માટે ત્રણથી વધુ ફૉરેન્સિક લેબોરટરી દ્વારા સતત ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિમાન ક્રેથ થવાની ઘટના બની ત્યારે 50 જેટલા લોકોને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ મૃતકોનો આંકડો 260 થવા જેટલો જાય છે. આગળની કાર્યવાહી માટે તંત્ર ખડેપગે તૈયાર છે.