
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટેક ઓફની થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈ હતી. આ વિમાન ક્રેશનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. એવામાં હવે વિમાનના કાટમાળને તપાસઅર્થે અમદાવાદ એરપોર્ટના હેંગરમાં લાવવામાં આવશે. આ વિમાનના કાટમાળનો નાનામાં નાનો ટૂકડો પણ ખૂબ જ મહત્ત્વનો છે, જેનો તજજ્ઞોની ટીમ દ્વારા અમદાવાદ એરપોર્ટના હેંગરમાં અભ્યાસ કરાશે, જેથી ક્રેશ પાછળનું કારણ જાણી શકાય.
વિમાનના કાટમાળને એરપોર્ટના હેંગરમાં લઈ જઈ રીસ્ટ્રક્ચર કરીને તપાસ કરાશે
વિમાન ક્રેશની તપાસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે, 'કાટમાળને એરપોર્ટના હેંગરમાં લઈ જવા હાલ વિચારણા છે. આ ઉપરાંત જે પણ એજન્સીઓ ગ્રાઉન્ડ ઝીરોમાં તપાસ કરી રહી છે તેમને એરક્રાફ્ટના કાટમાળને વધુ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે નાનામાં નાનો ટૂકડો પણ ક્રેશ કઈ રીતે થયું તે દિશામાં તપાસને લઈ જઈ શકે છે.
વરસાદ આવે એ પહેલા કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરાશે
હેંગરમાં લઈ ગયા બાદ તૂટેલા વિમાનનો જે પણ ભાગ હોય તેને તે જ ક્રમમાં ગોઠવવામાં આવશે. બોઇંગની ટીમે રવિવારે મુલાકાત લઈ લીધી છે અને હવે એકાદ-બે દિવસમાં કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરાશે. એનએસજી અને પોલીસ પાસેથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ શનિવારે બપોરે એરક્રાફ્ટની ટેઇલને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં અમદાવાદમાં વરસાદની પણ આગાહી છે. જેથી વરસાદ પડે તે અગાઉ પણ કાટમાળ ખસેડી લેવામાં આવે તે જરૂરી છે.