
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ હોળીની રાત્રે આતંક મચાવ્યો હતો અને આખો વિસ્તાર બાનમાં લીધો હતો. વસ્ત્રાલમાં મોડી રાત્રે શાશ્વત સોસાયટી નજીક લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે અસામાજિક તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફટાટ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને તમામ આરોપીઓને પકડીને પાઠ ભણાવ્યો હતો. હવે આ ઘટનાને લઇને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે.
અમિત ચાવડાએ શું કહ્યું?
ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરતા લખ્યુ, "જુઓ આ છે નરેન્દ્ર મોદીજીનું ગુજરાતમાં લોકોની સલામતી અને સુરક્ષાનું મોદી મોડેલ.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમત્રી હર્ષ સંઘવી ઉત્સવ અને પબ્લિસિટીમાં વ્યસ્ત છે બીજી તરફ અમદાવાદ અને આખા ગુજરાતમાં ગુંડાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુંડાઓને સરકારનો કોઇ ડર નથી અને ગુંડા આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યાં છે. ભાજપ સરકાર ગુજરાતના લોકોને સુરક્ષા અને સલામતી આપવામાં નિષ્ફળ સાબિત થઇ છે."
https://twitter.com/AmitChavdaINC/status/1900432422527000862
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. અમિત નાયકે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ડૉ. અમિત નાયકે જણાવ્યું કે, "હવે OTT પ્લેટફોર્મ પર રૂપિયા ખર્ચ કરીને તમારે મિર્ઝાપુર જેવી વેબસિરીઝ જોવાની જરૂર નથી. આપણા ગુજરાતમાં વધતા ડ્રગ્સ અને માફિયારાજને કારણે અહીં દરરોજ ક્રાઇમ સીન લાઇવ જોવા મળી જાય છે અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે, "આ ગુજરાત મેં બનાવ્યું છે."
https://twitter.com/DrAmitNayak/status/1900456355414036638