
અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત્ છે. સાણંદના ચાંગોદર હાઈવે પર એક ઓરડીમાંથી 7 વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહને લઈ આસપાસમાં ચકચાર મચી હતી. બનાવની જાણ થતા ચાંગોદર પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બનાવને લઈ 25 લોકોને રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સાણંદના ચાંગોદર હાઈવે પર આવેલી એક પતરાની ઓરડીમાંથી લોહીલુહાણ હાલતમાં 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેને લઈ અનેક તર્કવિતર્ક ઊભા થયા હતા. બનાવની જાણ થતા ચાંગોદર પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.
બાળકીના મૃતદેહનો પોલીસે કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ચાંગોદર વિસ્તારમાં સાત વર્ષની બાળકીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. જો કે, બાળકીના મૃતદેહ મળવાની સાથે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ચાંગોદર પોલીસે 25 લોકોને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે.