
Bogus gun license scam: બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત ATS દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર-નાગાલેન્ડથી બોગસ લાઇસન્સ કૌભાંડમાં આરોપીઓ પાસેથી વધુ 15 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં 108 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ,સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત ATS દ્વારા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સાત આરોપીઓના રિમાન્ડ મંજૂર
બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના ચકચારભર્યા રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં પકડાયેલા સાત આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં 115થી વધુ લોકોની સંડોવણીનો પર્દાફાશ થયો છે. સાત પૈકીના ત્રણ આરોપીઓએ ખોટી રીતે ગન લાઇસન્સથી મેળવેલી ત્રણ પિસ્ટલ-રિવોલ્વરનો કયાંક ને કયાંક ઉપયોગ કરાયો છે. વિશાલ પંડ્યા, અર્જુન અલગોતર અને ધૈર્ય ઝરીવાલા પિસ્ટલ અને રિવોલ્વરના 171 કારતૂસ અંગે હિસાબ આપી શક્યાં નથી એટલે ક્યાં ફાયરિંગ કરાયા તેનો ભેદ ખોલાશે.
વિશાલ પંડ્યા, અર્જુન અલગોતર અને ધૈર્ય ઝરીવાલાએ કારતૂસ ક્યાં વાપર્યા?
હથિયાર લાઇસન્સ કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિશાલ મુકેશભાઇ પંડયા, અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સેલાભાઇ વેલાભાઇ બોળીયા (ભરવાડ), સદ્દામહુસેન હારુનભાઇ રંગરેજ, બ્રિજેશ ઉર્ફે બિન્દુ યજ્ઞેશકુમાર મહેતા અને મુકેશ રણછોડભાઇ બામ્ભા (ભરવાડ)ને દસ દિવસના રિમાન્ડ ઉપર એટીએસને સોંપ્યા છે.
એટીએસએ સાતેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અધિક સરકારી વકીલ એમ.પી.ભરવાડે અદાલતમાં જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી વિશાલ પાસેથી બાર બોર ગન-1, પિસ્ટલ, 154 કારતૂસ તથા નાગાલેન્ડનું હથિયાર લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારો તેણે કયા ગનહાઉસમાંથી ખરીદયા છે? તેની કોઇ નોંધ કરવામાં આવી છે કે નહી? આરોપીએ 56 કારતૂસ વાપર્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે તો તે તેણે કયાં ફાયર કર્યા? આરોપી અર્જુન અલગોતર પાસેથી પણ બાર બોર ગન -1, 32 બોરની રિવોલ્વર 1, લાયસન્સ અને 26 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.
આરોપીએ હથિયાર લાઈસન્સના આધારે રિવોલ્વર ખરીદ્યાની નોંધ છે. પરંતુ બારાબોર ગન ખરીદવા અંગેની નોંધ નથી, આરોપીએ 80 નંગ કારતૂસ વાપર્યા છે તે કઇ જગ્યાએ વાપર્યા? ધૈર્ય ઝરીવાલા પાસેથી એક ગન, 1 પિસ્ટલ અને 40 કારતૂસ મળી આવ્યા છે. તેણે 35 કારતૂસ વાપર્યા છે તે ક્યાં વાપર્યા, આરોપી મુકેશ બામ્ભા પાસેથી યુપીના એટામાં હથિયાર લાઈસન્સની ઝેરોક્ષ મળી છે તેમાં આરોપીનું એટા ખાતેનું રહેઠાણ અને આઇડી કાર્ડ બનાવ્યું છે તે ખોટુ હોવાનું જણાઇ આવે છે તે કોની પાસે બનાવ્યું?
આરોપીઓ સાથે સંકળાયેલા ફારૂક અલી, શૌકત અલી અને આસીફને આ કૌભાંડમાં કેટલા રૂપિયા અપાયા? નાગાલેન્ડ સહિતની જગ્યાએથી હથિયારના લાઇસન્સ કેવી રીતે મેળવાયા? બીજે કયાંય આવા કોઇ હથિયારો સંતાડીને રાખ્યા છે?, આરોપીઓએ મોટી રકમ આપી હથિયારોના લાઇસન્સ મેળવ્યા છે તો આ પૈસા કયાંથી આવ્યા?
આરોપીઓની હથિયારોની હેરાફેરી કરતી આંતરરાજય ગેંગના સભ્યો છે કે કેમ તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ કરવાની હોઇ આરોપીઓના પૂરતા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઇએ તેવી રજૂઆત કરાઈ હતી. કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓથી આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે.
સરકારી અધિકારી અને કર્મચારીઓની સંડોવણી અંગે પણ ATS તપાસ કરશે
ATS તરફથી રિમાન્ડ અરજીમાં બહુ મહવના મુદ્દાનો ઉલ્લેખ કરાયો હતો કે, આ કેસમાં પકડાયેલા આરોપીઓના હથિયાર લાઇસન્સમાં મણિપુર, નાગાલેન્ડ સહિતના સ્થળોનું સરનામું દર્શાવાયું છે. પરંતુ વાસ્તવમાં આરોપીઓ ત્યાં કોઇ દિવસ ગયા જ નથી. તો, તેઓને આ હથિયાર લાઇસન્સ આપવામાં સ્થાનિક સરકારી અધિકારી કે કર્મચારીઓની સીધી કે આડકતરી સંડોવણી તો નથી ને...?? તે મામલે પણ તપાસ કરવાની વાત એટીએસએ કરી છે. તેથી હવે આ સમગ્ર કૌભાંડમાં દેશના વિવિધ રાજયો સુધી તપાસનો દોર લંબાશે.
નાગાલેન્ડથી બોગસ લાઇસન્સ મેળવી હથિયાર ખરીદીના કૌભાંડમાં સુરતના ચારની ધરપકડ
નાગાલેન્ડમાંથી બોગસ હથિયાર લાઇસન્સ મેળવી હથિયાર ખરીદવાના કૌભાંડમાં એટીએસની તપાસના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામના ગજાનન ગનહાઉસના માલિક અને તેની પાસેથી બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદનાર ત્રણને ઝડપી પાડી 20 હથિયાર, 93 કારતૂસ, 4 બોગસ હથિયાર લાઇસન્સ કબજે કર્યા છે.જયારે આ કૌભાંડમાં સામેલ 16 ને વોન્ટેડ જાહેર કર્યા છે. જે છ વ્યક્તિના નામે નાગાલેન્ડના સરનામે લાયસન્સ બનાવડાવ્યા હતા તેમાંથી કોઈએ નાગાલેન્ડ જોયું નથી.હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચની જુદીજુદી ટીમ નાગાલેન્ડમાં રહીને આ અંગે વધુ તપાસ કરી રહી છે.
ગૃહવિભાગમાં રજીસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવાતો હતો: સાત વર્ષથી કૌભાંડ
સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ છેલ્લા છ-સાત વર્ષથી ચાલે છે.જે વ્યક્તિ નાગાલેન્ડ ગયો નથી તેની ત્યાં માત્ર કાગળ ઉપર હાજરી બતાવી તેના આધારે મેળવાતા બોગસ હથિયાર લાયસન્સને ગૃહવિભાગમાં રજીસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવવામાં આવતો હતો.જેથી અન્ય રાજયમાં લાયસન્સનો ઉપયોગ સરળતાથી કરી શકાય.