
ગુજરાતમાં છાનાપગલે અમેરિકાની જેમ જ ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. આ ઘટસ્ફોટ છેલ્લા પખવાડિયાથી સમગ્ર રાજ્યમાં ATS અને SOG દ્વારા ચાલી રહેલી ડ્રાઈવ દરમિયાન થયો છે. બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવી મહદ્દઅંશે દિલ્હી- હરિયાણાથી ખરીદેલાં હથિયારો રાખવાના ટ્રેન્ડમાં 80 ટકા સટ્ટેબાજો અને અસામાજીક તત્ત્વો સામેલ છે. એજન્ટો મારફતે અનેક નામી અને નામચીન લોકો નિયમ વિરૂદ્ધ ગન લાયસન્સ મેળવી રહ્યાં છે. કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવી સીનસપાટા કરવાનો ખેલ ખેલનારાંઓ સામેની તપાસમાં ઓપરેશન લીડ કરતી એજન્સી ATSનું મૌન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
1000થી વધુ હથિયારો ગુનેગારોએ મેળવ્યા
ગુજરાતમાં મણિપુર-નાગાલેન્ડ જેવા પૂર્વોત્તરના રાજ્યમાંથી ખોટા ભાડા કરારોનો ઉપયોગ કરીને ગુનેગારોએ 1000થી વધુ હથિયારો મેળવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. 1000થી વધુ હથિયારો ગુનેગારોના હાથમાં પહોંચી જવાથી ગુનાખોરીમાં વધારો થવાની શક્યતા છે.
તપાસ એજન્સીઓએ પૂછપરછના બહાને કેટલાક શખ્સોને ડિટેઇન કર્યા
ગેરકાયદેસર હથિયાર મેળવવાની ઘટનામાં તપાસ એજન્સી દ્વારા શું તપાસ કરવામાં આવી અને કેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી શું મળ્યું? મુખ્ય સુત્રધાર સુધી શું તપાસ એજન્સી પહોંચી શકી છે? આ સવાલોના જવાબ મળવાના હજુ બાકી છે.
તાજેતરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એજન્સી દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની તપાસ એજન્સી પણ સફાળી જાગી હતી મેઘાલય અને નાગાલેન્ડમાંથી ભાડા કરારના આધારે હથિયારના લાઇસન્સ મેળવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.ઘણા દિવસોથી પૂછપરછના બહાને કેટલાક શખ્સોને તપાસ એજન્સી દ્વારા ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. ડિટેઇન કરાયેલા શખ્સોમાંથી એવા શખ્સો પણ છે જે નામચીન વ્યક્તિઓ છે તેમને પૂછપરછ કરવાના બહાને ડિટેઇન કરાયા છે પણ નામ જાહેર કરવામાં એજન્સીઓ મૌન છે..કાયદાકીય છટકબારીના દુરૂપયોગની તપાસમાં વારંવાર બોલાવી બેસાડી રાખવા પાછળ ખેલની ચર્ચા પણ છે.
ગુજરાતમાં ગનકલ્ચર, તપાસ એજન્સીઓ પણ ચોકી
ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઓલ ઇન્ડિયા ગન લાઈસન્સ જ્યાંથી મેળવાય છે તેવા મણિપુર-મેઘાલય-નાગાલેન્ડ સહિતના અડધો ડઝન રાજ્યમાં તપાસ કરી રહી છે. જિલ્લાઓમાં SOG ટીમો તપાસ કરે છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કૂલ 21 શખ્સોને 25 હથિયારો, 216 કારતુસ સાથે રાઉન્ડઅપ કર્યા તેમાંથી 17 લોકોએ તો મણિપુર-નાગાલેન્ડથી એજન્ટો મારફતે ગન લાઇસન્સ મેળવ્યાની વિગતો ખુલી છે.ડ્રાઈવ દરમિયાન ગુજરાતના જે જિલ્લામાં ગન કલ્ચર સામે કાર્યવાહી થઈ ત્યાં આવી જ વિગતો ખુલતાં લીડ એજન્સી એ.ટી.એસ. દ્વારા કુલ 160 લોકોનું લિસ્ટ બનાવીને ઊંડી તપાસ શરૂ કરી છે.
એજન્ટો મારફતે બીજા રાજ્યોમાંથી ગન લાયસન્સ મેળવવાનું કૌભાંડ દશકાથી આયોજનબઘ્ધ રીતે ચલાવાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિત રાજ્યમાં વિસ્તરી ચૂકેલા કૌભાંડમાં નિયમો તોડીમરોડીને ગન લાયસન્સ મેળવવા લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે. આવો ખર્ચ કરી ગન લાયસન્સ મેળવનારાંઓમાં 80 ટકા અસામાજીક તત્ત્વો, બુકીઓ, કરોડોનો ખેલો કરતાં સટ્ટેબાજો, કોલ સેન્ટર સંચાલકો સામેલ હોવાનું જાણી ATS જેવી એજન્સી અને સરકાર પણ ચોંકી ઊઠયા છે.