
ગુજરાતમાં મણિપુર-નાગાલેન્ડથી હથિયારો મેળવીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોરબી SOGની ટીમે 8 ઇસમો પાસેથી આવા જ 9 હથિયારો કબ્જે કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાંથી 9 હથિયાર ઝડપાયા
મોરબી SOG પોલીસે 8 ઇસમો પાસેથી 9 હથિયારો કબ્જે કર્યા છે. મોરબી SOGએ 2 પિસ્તોલ, 6 રિવોલ્વર, 1 બારાબોર અને અલગ અલગ 251 કાર્ટીઝ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં આ શખ્સોએ મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઓલ ઇન્ડિયા પરમિટ મેળવેલા હથિયારો એજન્ટ થકી મંગાવવામાં આવ્યા હતા.
પોલીસે રોહિત ફાગલીયા, ઇસ્માઇલભાઇ કુંભાર, મુકેશ ડાંગર, પ્રકાશ ઉનાલીયા, પ્રવીણસિંહ ઝાલા, માવજીભાઈ બોરીયા અને શિરાજ ઉર્ફે દુખી પોપટીયાના હથિયાર કબજે કર્યા છે. પોલીસે 8 લાખ 74 હજારના હથિયાર અને 57 હજારના કાર્ટીઝ જપ્ત કર્યા હતા.
મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા મુખ્ય સૂત્રધાર
મણિપુર-નાગાલેન્ડથી હથિયાર મંગાવી ગુજરાતમાં વેચવા મામલે મુખ્ય સુત્રધાર મુકેશ ભરવાડ ઉર્ભે બાંભા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા સુરેન્દ્રનગરમાંથી પણ ગેરકાયદેસર હથિયારનો જથ્થો મળી આવ્યો હતો. મુકેશ ભરવાડ નેપાળમાં છુપાયો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે.