
ગુજરાત ATSની ટીમે કચ્છમાંથી BSF અને ઇન્ડિયન નેવીની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડનારા જાસૂસની ધરપકડ કરી છે. કચ્છમાંથી પકડાયેલા જાસૂસને લઇને ગુજરાત ATSની ટીમે મોટો ખુલાસો કર્યો છે. કચ્છમાં હેલ્થવર્કર તરીકે કામ કરતા જાસૂસ સહદેવ ગોહિલ અદિતિ ભારદ્વાજના સંપર્કમાં આવ્યો હતો અને તેને ભારતીય સુરક્ષાદળો સાથે જોડાયેલી ગુપ્ત માહિતી મોકલી હતી.
કચ્છમાં કામ કરતા શખ્સે પાકિસ્તાનને પહોંચાડી ગુપ્ત માહિતી
ગુજરાત ATSના પોલીસ સબ ઇંસ્પેક્ટર (PSI) આર.આર.ગરચરને બાતમી મળી હતી કે કચ્છના લખપતના નારાયણ સરોવરમાં રહેતો અને માતાના મઢમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો સહદેવ ગોહિલ (ઉં.વ.28) BSF અને ભારતીય નૌકાદળની માહિતીઓ વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાનના એજન્ટને મોકલે છે.
ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતા કેન્દ્રીય એજન્સી મારફતે આ બાતમી અંગે ખાતરી કરવા જણાવવામાં આવ્યું હતું.જે બાદ પોલીસ અધીક્ષક સીદ્ધાર્થ કોરૂકોંડા, નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇંસ્પેક્ટર પી.બી.દેસાઇ. પીએસઆઇ (વાયરલેસ) ડી.વી.રાઠોડ, પોલીસ સબ ઇંસ્પેક્ટર આર.આર.ગરચરની ટીમ બનાવી બાતમી બાબતે ટેકનિકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઇસમને 1 મેના રોજ પૂછપરછ અર્થે ગુજરાત ATSની ઓફિસ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.
https://twitter.com/ANI/status/1926179064454303886
BSF-ભારતીય નૌકાદળની માહિતી મોકલી
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે તે છેલ્લા એકાદ વર્ષથી પી.એચ.સી, માતાના મઢમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-1 બીટમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે. તે 2023 જુન કે જુલાઇથી અદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે WhatsApp દ્વારા સંપર્કમાં છે. આ પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે મિત્રતા થતા મહિલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ BSF તથા ભારતીય નૌકાદળની ઓફિસોના અને ત્યા થતા નવા બાંધકામના ફોટો અને વીડિયો માંગતા પકડાયેલા આરોપી સહદેવ ગોહિલે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી WhatsApp મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના આ એજન્ટને મોકલી હતી. તે બદલ પાકિસ્તાની એજન્ટ દ્વારા પકડાયેલા આરોપી સહદેવ ગોહિલને આર્થિક ફાયદો કરાવ્યો હતો.
જાન્યુઆરી 2025માં સહદેવ ગોહિલ પોતાના આધારકાર્ડથી પોતાના નામનું જીઓ કંપનીનું સીમકાર્ડ લઇ ફેબ્રુઆરી 2025માં આ પાકિસ્તાનના એજન્ટને WhatsApp ઓટીપી આપી WhatsApp નંબર પર પણ BSF અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટો અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જુના ફોટો અને વીડિયો મોકલ્યા હતા. સહદેવ ગોહિલના મોબાઇલ ફોનને FSL ખાતે ફોરેન્સીક એનાલીસીસ માટે મોકલવામાં આવ્યો હતો. FSL ખાતેથી આરોપીના મોબાઇલ ફોનનો ડેટા મેળવી તે ડેટાનો ટેકનિકલ એનાલિસીસ વર્કઆઉટ કરી તેમાંથી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મેળવવામાં આવ્યા છે.
ઉપરોક્ત માહિતી તથા પુરાવાના આધારે સહદેવ ગોહિલ તથા પાકિસ્તાની મહિલા એજન્ટ અદિતી ભારદ્વાજ દ્વારા BSF અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર રીતે મેળવી આપ-લે કરેલ હોય તેના વિરૂદ્ધ ગુજરાત ATS ખાતે ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.