
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા હિંસા બાદ પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરીને કડક પગલા ભરવા આદેશ આપ્યો હતો. અમદાવાદમાં પણ જુહાપુરા વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ સાથે જોડાયેલા કેટલાક શખ્સોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. જુહાપુરામાં મોહમ્મદ મુશીર તેમજ નાસીર ખાનનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ડિમોલિશનની કાર્યવાહી
અમદાવાદમાં મક્તમપુરા ખાતે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ફતેવાડી કેનાલ પાસે કુખ્યાત નાસીર ખાનનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદેસર મિલકત પણ તોડી પાડવામાં આવ્યું છે. મોહમ્મદ મુશીર પર જુગાર, આર્મ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. વેજલપુર વિસ્તારમાં ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો હતો. મોહમ્મદ મુશીરના સાગરીતો પર પણ થશે કાર્યવાહી કરવામાં આવશે.
શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આરોપીઓ સામે કાર્યવાહી
અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સક્રિય આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 3 આરોપીઓના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણને લઇને કાર્યવાહી કરવામાં આવી હતી. અયુબ હુસૈન ઉર્ફે પતલી, સોએબ હુસૈન ઉર્ફે કોયલ તેમજ અરબાઝ સલીમ ઘાંચીના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયું હતું. ટોરેન્ટના અધિકારીઓએ શહેરકોટડા પોલીસ સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કર્યું હતું. આરોપીઓ સામે વીજ ચોરી અંગે ટોરેન્ટના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ પોલીસની અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસે 49 પોલીસ સ્ટેશનોમાંથી કુલ 969 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી છે. જેમાં 287 દારૂના દાણચોરો, 6 જુગારીઓ, 249 હુમલા જેવા શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા, 419 મિલકત સંબંધિત ગુનાઓ (જેમ કે દબાણ)માં સામેલ અને 8 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોનો સમાવેશ થાય છે.
અમદાવાદ પોલીસ દ્વારા વેજલપુર, દરિયાપુર, મેઘાણીનગર, શહેર કોટડા અને સરદારનગર વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે જેમાં કુખ્યાત કાલુ ગરદનની 4 દુકાનો અને 1 મકાન સહિત કૂલ 7 મકાનો અને દુકાનો તોડવામાં આવી છે. સરખેજ અને દરિયાપુરમાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 5 ગેરકાયદેસર મકાનો અને 9 દુકાનો તોડવામાં આવી હતી.