
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના DNAની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકોના DNA મેચ થયા છે. અંતિમ DNA મેચ થયા બાદ પરિવારજનોને મૃતકનો મૃતદેહ સોપવામાં આવ્યો હતો. વિમાનમાં સવાર 241 મુસાફર તેમજ અન્ય 19 લોકોના DNA મેચ થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થતા વિમાનમાં સવાર 241 મુસાફર સહિત અન્ય લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મૃતકઆંક 275 પહોંચ્યો હતો.
આ ઘટના કેવી રીતે બની?
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન જવા માટે તૈયાર હતી અને વિમાન પણ ઉડાન ભરી ચૂક્યું હતું. પરંતુ, 30 સેકન્ડમાં, વિમાનમાં કંઈક ભયંકર ખામી સર્જાઈ, જેના કારણે વિમાન નજીકમાં આવેલા મેઘાણીનગરમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફર સહિત અન્ય લોકો મળીને 275 લોકોના મોત થયા હતા.
બ્લેકબોક્સની તપાસ બાદ ઘટનાનું કારણ સામે આવશે
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે તપાસ કરનારાઓએ દુર્ઘટનાના લગભગ બે અઠવાડિયા બાદ ફ્લાઇટ રેકોર્ડર ડેટા ડાઉનલોડ કરી લીધો છે.આ પહેલા સુરક્ષાના જાણકારોએ તપાસ વિશે જાણકારીની કમી પર સવાલ પણ ઉઠાવ્યા હતા જેમાં 13 જૂને મળેલા સંયુક્ત બ્લેકબૉક્સની સ્થિતી અને 16 જૂને મળેલા બીજા સેટની સ્થિતી સામેલ હતી.