
અમદવાદ ખાતે થયેલી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની ઓળખ પ્રક્રિયા તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી રુષિકેશ પટેલ, રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ 45થી વધુ તબીબો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ અંતિમ આશા
વિમાન દુર્ઘટનામાં એટલી ભારે આગ લાગી કે કેટલાક યાત્રીઓના શરીર સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયા. હાલ સુધીમાં 250થી વધુ ડીએનએ સેમ્પલ લેવાયા છે. મૃત્યુ પામેલા લોકોને ઓળખવા માટે એફએસએલ (FSL) અને *એનએફએસયુ (NFSU)*માં ડીએનએ પરીક્ષણ ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 8 પરિવારજનોને તેમના નિકટના સગાના મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે.
ડીએનએ પરીક્ષણની પાંચ તબક્કાવાર પ્રક્રિયા
અધિકારીઓ મુજબ, ડીએનએ પરીક્ષણ નીચે મુજબ પાંચ તબક્કે કરવામાં આવે છે: 1. સ્થળ પરથી અવશેષો એકત્રિત કરવાનો તબક્કો, 2. પરિવારજનોના રેફરન્સ સેમ્પલ લેવાય છે. 3. લેબોરેટરીમાં ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. 4. મૃતદેહ અને રેફરન્સ વચ્ચે મેળ ખાતા ટેસ્ટ કરવામાં આવે છે. 5. પ્રમાણિત રિપોર્ટ તૈયાર કરીને અધિકારીઓને અપાય છે
મૃતદેહોના આ ભાગથી થાય છે ડીએનએ
મૃતદેહોના સેમ્પલ તરીકે દાંત, ખોપરીના હાડકાં અને ઘૂંટણના ભાગમાંથી ડીએનએ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કારણ કે તે ભાગોએ આગમાં ઓછી અસર થઈ હોય છે. અગામી 24 કલાકમાં રિપોર્ટની શક્યતા છે. મેડિકલ અને ફોરેન્સિક ટીમો 24x7 ધોરણે કાર્યરત છે. માહિતી મુજબ ડીએનએ મેચિંગ રિપોર્ટ આજે સાંજ સુધી અથવા કાલે બપોર સુધી મળી શકે તેવી શક્યતા છે.
માનવતા સામે મોટી પડકારપૂર્ણ પ્રક્રિયા
વિમાની દુર્ઘટના બાદ સર્જાયેલા આ હૃદયવિદારી દ્રશ્યો વચ્ચે શાસન, તંત્ર અને તબીબી ટીમો એકસાથે કાર્ય કરી રહી છે. મૃતક યાત્રીઓના પરિવારજનો માટે આ ઓળખ પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે, જેથી તેઓ અંતિમ વિદાય આપી શકે.