અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક ખાનગી ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. મોડી રાત્રે લાગેલી આગ બાદ નજીકના અન્ય ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ. આ ઘટના તનમન ભાજીપાઉ હોટલની સામે આવેલા પ્લોટમાં સિઝનલ વસ્તુઓના હંગામી ઉભા કરેલા ગોડાઉનમાં બની હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી. સદનસીબે આ ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સિઝનલ ચીજ વસ્તુ વેચાણના સ્ટોલમાં લાગી આગ
પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ તનમન ભાજીપાવની સામે આવેલા પ્લોટમાં ખાણી-પીણીથી લઇ સીઝનલ ચીજ વસ્તુઓના વેચાણના ઉભા કરવામાં આવેલા હંગામી સ્ટોલમાં આગ લાગી હતી. મોડી રાતે 12.45 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. ઓઢવ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીન મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હંગામી ધોરણે ઉભા કરવામાં આવેલા ચીજ વસ્તુઓના વેચાણ બજારમાં આગ લાગી હતી.
કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે કેમ? તેની તપાસ કરાશે
ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ તન-મન ભાજીપાવની સામે પ્લાસ્ટિક સહિત અલગ-અલગ ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ ઉભા કરવામાં આવેલા હતાં, જેમાં આગ લાગી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પ્લાસ્ટિકની વિવિધ ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ આગળ દરવાજા બંધ હોવાથી આગ વધુ પ્રસરી હતી. પ્લોટમાં ઊભા કરેલા આ સ્ટોલની બાજુમાં ફર્નિચરના ગોડાઉન સુધી આગ પ્રસરી હતી.જેને પણ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ પ્લોટમાં હંગામી ધોરણે ઉભા કરેલા સ્ટોલ માટે એનઓસી અથવા તો કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે કેમ? તેની તપાસ કરાશે. જો પરવાનગી નહીં લીધી હોય તો નોટિસ ફટકારવામાં આવશે.