
Ahmedabad news: મે મહિનાની કાળઝાળ ગરમીમાં અમદાવાદ શહેરમાં આગના બનાવના કિસ્સા સતત વધી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ આગને લીધે જાનહાનિ પણ વધી રહી છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા અંદાજ પાર્ટી પ્લોટના ગોડાઉનમાં ગત રોજ રાત્રિના 11 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને લીધે દૂર-દૂર સુધી આકાશમાં ધૂમાડા જોઈ શકાતા હતા. આગને લીધે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ ઘટનાસ્થળે જઈ આગ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના જાણીતા એસ.જી.હાઈવે પર આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં ગત રોજ રાત્રિના સમયે સુમારે ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને લીધે આસપાસના લોકો એકઠા થયા હતા. પાર્ટી પ્લોટના ગોડાઉનમાં લાગેલી આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાબડતોબ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂ કરવાની કોશિશ કરી હતી.
આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોઈ શકાતી હતી. અંદાજ પાર્ટી પ્લોટના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ કરવામાં આવ્યો હતો.