
Gujarat Weather Forecast: પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાના આગમનને 3 દિવસ થઈ ગયા છે. હવે ગુજરાતમાં પણ ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરીને હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા દર્શાવી છે. જેથી આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે. હવે ફક્ત ગણતરીના દિવસો ગુજરાતમાં ચોમાસાના આગમન આડે બાકી છે. આ દરમ્યાન હવામાન વિભાગે આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેના લીધે હળવો વરસાદ થવાનો વર્તારો વ્યક્ત કર્યો છે. આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આપી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ,નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે. આ દરમ્યાન અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જેના લીધે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે.
આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં શુક્રવારે મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે અનુક્રમે 39 અને 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.