
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ જીરાવાલાનું પણ નિધન થયું છે. ડાયરેક્ટરના પત્નીએ વિમાન દુર્ઘટના બની તે સમયે પોતાના પતિ ગુમ થયા હોવાની વાત કરી હતી. તે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્લેન ક્રેશની જગ્યાએથી ગુમ થયા હતા ડાયરેક્ટર
અમદાવાદ શહેર ખાતે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશનો બનાવ બન્યો ત્યાર પછી નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કાલાવાડિયા ઉર્ફ જીરાવાલા (ઉ.વ.34) ગુજરાતી ડાયરેક્ટર હતા. તે પોતાની એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આસપાસથી ગુમ થયા હતા. મહેશ જીરાવાલાના ભાઇએ ગુમ થયાની જાણવા જોગ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી.ગોહિલ, શાહીબાગ PI જે.ડી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ કિરીટભાઇ તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે ગુમ થનાર મહેશ જીરાવાલાનો પ્લેન ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઇલ ફોન સ્વીચ ઓફ થયેલ હોવાની વિગતો મળી હતી. જેના આધારે ગુમ થનાર પ્લેન ક્રેશના બનાવમાં ભોગ બન્યા હોવાની પ્રાથમિક દ્રષ્ટીએ શંકા જતા તેમના પરિવારજનોને જાણ કરી હતી.
અમદાવાદ શહેરના સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા આ ગુમ થનાર મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી DNAએ લેવા જરૂરી હોવાની સમજણ આપી શંકા દૂર કરવા પણ DNA ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા, મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના DNA નમૂના લેવડાવવામાં આવેલ હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશ ના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાત્રી હતી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા DNA ટેસ્ટ નો રિપોર્ટ આવતા, આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ ડેડબોડી સાથે DNA નમૂના મેચ થતા, પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી.
ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને બોલાવવામાં આવેલ અને કૌશિકભાઇના DNA સેમ્પલ, પ્લેન કેશની જગ્યાએથી મળી આવેલ ડેડબોડી સાથે મેચ થયેલાંની વિગતો આપી, મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ પ્લેન ક્રેશ સમયે થયેલાની વાત જણાવતા, મહેશભાઈના પત્ની હેતલબેન તથા પરિવારજનો આ વાત કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર નહોતા અને પોતાને પૂરી ખાત્રી થશે પછી જ ડેડબોડી સંભાળવા પોલીસને જણાવી દીધું હતું.
તપાસમાં રહેલ પોલીસ ટીમ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરી, શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા તથા સ્ટાફના હે.કો. લાલજીભાઈ તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર મહેશભાઈ એકટીવા મોટર સાયકલ લઈને ગયેલા હોય, CCTV કેમેરાના આધારે તપાસ કરી, એકટીવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી આ જ સમયે પસાર થતા હોવાનું શોધી કાઢવામાં આવેલ હતું. તેમ છતાં, પરિવારજનોનું દિલ પોતાના સ્વજન મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયેલ હોવાનું માનવા તૈયાર ના હોય, તેઓ દ્વારા એકટીવા મળે અને બધું વેરીફાઈ થાય પછી જ લાશ સંભાળવા જણાવી દીધું હતું.
વધુમાં, અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી, સળગી ગયેલા વાહનો બાબતે મેઘાણીનગર PSI આર.એમ.ચાવડા તથા સ્ટાફ મારફતે તપાસ કરવામાં આવતા, બનાવવાળી જગ્યાએ એક એકટીવા સળગી ગયેલ હાલતમાં જણાઈ આવેલ હતું, જેના એન્જિન અને ચેસીસ નંબર આધારે ચેક કરવામાં આવતા, આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયેલ હતું. આ એકટીવા બાબતની હકીકત પરિવારજનોને જણાવતા, પરિવારજનો ભાંગી પડેલ હતા અને પોતાના દીકરાને પ્લેન ક્રેશ થયેલ તે બાબતે જવાની કોઈ શક્યતા નહીં હોવાથી, પોતે ડેડબોડી કોઈ અન્યની હોવાની અને પોતાનો દીકરો જીવીત હોવાની શક્યતા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરાવેલ હોવાનું જણાવી રડી પડ્યા હતા.
બંદોબસ્તમાં રહેલ એસીપી કૃણાલ દેસાઈ, ACP રીના રાઠવા, શાહીબાગ PI જે.ડી.ઝાલા, નરોડા પીઆઈ પી.વી.ગોહિલ, સહિતના સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી, સમજાવી, ઇશ્વર ઈચ્છા બળવાન હોવાનું અને નસીબની વાત હોવાનું જણાવી, શાંત કરી, ગુમ થયેલ મહેશભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશભાઈ જીરાવાલાના પાર્થિવ દેહનો કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પોતાની તમામ રજૂઆત અને શંકા બાબતે જીણવટભરી તપાસ કરી, દૂધનું દૂધ સાબિત કરનાર અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરી, ભાવ વિભોર થયેલ અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવ વાહી દ્રશ્યો સર્જાયા હતા.