
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદના ચંડોળા તેમજ દ્વારકા સહિત વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે હેઠળ હવે સરખેજ વિસ્તારોમાં પણ સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક દબાણોને તંત્રએ બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દીધા છે.
ધાર્મિક બાંધકામો તોડી પડાયા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં બુધવાર 9 જુલાઈએ અધિકારીઓએ પોલીસ કાફલા સાથે મળીને ઉચ્ચ સુરક્ષા સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરખેજમાં સરકારી જમીન પર દબાણ કરનારા ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. હાઇવે ઓથોરિટી સાથે સંકલન સાધી એક મંદિર અને ચાર દરગાહ તોડી પાડવામાં આવ્યા હતા.
આ કામગીરીને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી હાઇવેના મુખ્ય ભાગોમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવાના ચાલુ પ્રયાસનો એક ભાગ હતો. સરેખેજમાં હાઇવે વિસ્તરણ કાર્યમાં આ ગેરકાયદે બાંધકામો અવરોધ બની રહ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે.
પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરી કાર્યવાહી
મોડી રાત્રે દબાણ દૂર કરવાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નાગરિક અને હાઇવે વિભાગના અધિકારીઓને દેખરેખ હેઠળ કેટલાંક કલાકો સુધી કામગીરી શરૂ રહી અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણ દૂર કરતી વખતે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ કાર્યવાહીના પગલે કેટલાંક સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ, અધિકારીઓએ આ વિશે યોગ્ય સૂચના આપી હતી અને કાનૂની જોગવાઈના આધારે મામલો થાળે પાડી કામગીરી પૂર્ણ કરવામાં આવી.