
ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો પ્રકાશમાં આવ્યો છે. હવે FIR હોવા છતાં પણ પાસપોર્ટ મળી શકશે. આરોપીને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ આપવાનો હાઈકોર્ટે આદેશ જાહેર કર્યો છે. હાઈકોર્ટે તેનું અવલોકન જાહેર કર્યું કે, માત્ર FIR નોંધાયેલી છે અને કોઈ કેસ ચાલતો નથી તો ટ્રાવેલ પર પ્રતિબંધ લગાડી શકાય નહીં. જો ફક્ત FIR નોંધાયેલી હોય અને કોઈ ફોજદારી કાર્યવાહી કોર્ટમાં ન ચાલતી હોય, તો વ્યકિતને વિદેશ જવા માટે પાસપોર્ટ આપવા પર કોઈ પ્રતિબંધ લગાવી શકાય નહીં.
શું હતો સમગ્ર મામલો ?
આરોપી હિતેશ જગદીશભાઈ પટેલ સામે 498A અને ડાઉરી પ્રોહિબિશન એક્ટ હેઠળ સાબરકાંઠા મહિલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. જો કે, આરોપીએ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી, જેના પર તા. 24.12.2024ના હુકમથી કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો હતો. પાસપોર્ટ વિભાગે GSR Notification 570(E)નો હવાલો આપી તેઓને "કોર્ટ પરમિશન લાવો" તેમ કહ્યું હતું.
તો આ મામલે હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ આવ્યો છે જેમાં અદાલતે જણાવ્યું કે, જ્યારે કોર્ટમાં કોઈ કાર્યવાહી પેન્ડિંગ નથી અને માત્ર FIR નોંધાઈ છે ત્યારે પિટિશનરને વિદેશ જવાની મંજૂરી આપવી જોઈએ. અંતે, 20.03.2025ની પાસપોર્ટ વિભાગની નોટિસ રદ્દ કરવામાં આવી હતી. પાસપોર્ટ અરજીનો ચાર અઠવાડિયામાં નિકાલ કરવા હાઈકોર્ટએ આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો તેમના માટે રાહતરૂપ છે જેમના પર ફક્ત FIR નોંધાયેલી છે પણ કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ નથી. હવે પાસપોર્ટ ઓથોરિટીએ યોગ્ય રીતે અરજીઓનો નિકાલ કરવો પડશે.