
IPL 2025 Closing Ceremony: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની (IPL 2025 Final) ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. અમદાવાદમાં ત્રીજી વાર યોજાનારી આઈપીએલ ફાઈનલને પગલે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ ચરમસિમાએ છે.Operation Sindoorને પગલે દેશભક્તિની થીમ પર આજે આઇપીએલનો સમાપન સમારોહ યોજાશે. જેમાં જાણીતા ગાયક શંકર મહાદેવન પર્ફોમ કરવાના છે.
લેઝર શૉનું પણ આયોજન
આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે IPLનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે 4:30થી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે 6 કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે. જેમાં શંકર મહાદેવન દ્વારા ‘મા તુજે સલામ... લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ... , સબ સે આગે હેં હિન્દુસ્તાની...આઇ લવ માય ઇન્ડિયા... જેવા ગીત પર પર્ફોમ કરવામાં આવશે.
ઈનિંગ્સ બ્રેક દરમિયાન લેઝર શોથી ચાહકોનું મનોરંજન કરાશે. સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ આજેની ફાઈનલ માટે અમદાવાદના અતિથિ બને તેવી સંભાવના છે. સેનાના ત્રણેય પાંખના વડાને પણ ફાઇનલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ઉપસ્થિત રહે તેની સંભાવના નહિવત્ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આઇપીએલ ફાઈનલ માટે અત્યારસુધી 85 હજારથી વધુ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે. આ સિવાય 25 હજાર જેટલી ટિકિટ રીઝર્વ રાખવામાં આવી છે. આજની ફાઇનલમાં સમગ્ર સ્ટેડિયમને તિરંગાના રંગોથી રંગવામાં આવશે. વિશાળ સ્ક્રીન પર પણ ભારતીય સેનાનો સતત આભાર માનતા મેસેજ મૂકવામાં આવશે.
કેફે, રેસ્ટોરન્ટમાં પણ વિશિષ્ટ આયોજન
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ માટે અમદાવાદની કેફે, રેસ્ટોરન્ટમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ સ્ક્રીન પર ચાહકો મુકાબલો માણતાં-માણતાં ભોજન લઇ શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક સોસાયટીમાં પણ વિશાળ સ્ક્રીન મૂકવામાં આવી છે.
સ્ટેડિયમમાં ઉઘાડી લૂંટ: 20 રૂપિયાની પાણીની બોટલના 100 રૂપિયા
વિદેશોમાં પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ એટલે પિકનિક જેવો અવસર. પરંતુ આપણે ત્યાં સ્ટેડિયમમાં મેચ હાલાકીનું બીજું નામ બની જાય છે. ટિકિટ માટેની કંગાળ વ્યવસથાથી માંડીને વિવિધ ચક્રવ્યૂહ ભેદી હજુ પ્રેક્ષક સ્ટેડિયમમાં પહોંચી રાહતનો શ્વાસ લે ત્યાં બીજી મુસિબતો તેની રાહ જોતી હોય છે. પાણીની એક બોટલના રૂપિયા 100, વેજિટેબલ સેન્ડવિચના રૂપિયા 200, પીત્ઝાના રૂપિયા 400થી વધુ, ભેળના રૂપિયા 150, કોલ્ડ્રિન્કના રૂપિયા 100 જેવા ચૂકવવા પડે છે. આ બેફામ ભાવ વસૂલનારા સામે ગ્રાહક સુરક્ષા વિભાગ ધ્રતરાષ્ટ્ર બને છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ પણ સ્ટેડિટયમાં અપાતા ભોજનની ગુણવાા ચકાસવા ફરકતું નથી.
ઓનલાઇન ટિકિટની નબળી વ્યવસ્થાથી ચાહકો નારાજ
આઇપીએલ માટે ઓનલાઇન ટિકિટની ખામીયુક્ત વ્યવસ્થાથી ચાહકો નારાજ થયા છે. કોઇ પણ વ્યક્તિ ટિકિટની એપમાં જાય ત્યારે તેને એવું જ દર્શાવાય છે કે તમારી આગળ હજુ હજારો લોકો લાઇનમાં છે. તેમના પછી તમારો વારો આવશે. પરંતુ કલાકો સુધી તે એપ ચાલુ રાખ્યા બાદ પણ ટિકિટ માટે મેળ પડતો નથી. ચાહકોના મતે એક સમયે ડિજિટલ ઈન્ડિયાની વાતો થાય છે ત્યારે ઓનલાઇન ટિકિટની કંગાળ વ્યવસ્થા નિરાશાજનક છે. તેના કરતાં ટિકિટનો અમુક સ્લોટ ઓફ્લાઇન માટે પણ રાખવાની જરૂર હતી.
અમદાવાદમાં આજે ચાર્ટર્ડ ફ્લાઇટની મૂવમેન્ટમાં વધારો થશે
આઇપીએલ ફાઇનલને પગલે અમદાવાદ એરપોર્ટમાં ચાર્ટર્ડ ફ્લાઇટની મૂવમેન્ટ પણ વધશે. સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટમાં દરરોજ 20 ચાર્ટર્ડ ફ્લાઇટ મૂવમેન્ટ થાય છે. તેના સ્થાને આવતીકાલે 40 જેટલી ચાર્ટર્ડ ફ્લાઇટની અવર-જવર થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત બેંગાલુરુ-અમદાવાદનું વન-વે એરફેર પણ રૂપિયા 26 હજારને પાર થઈ ગયું છે.