Ahmedabad Plane Crash: ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. તે જ સમયે, એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની સારવાર ચાલી રહી છે.
એવામાં, અમદાવાદની વિમાન દુર્ઘટનામાં કલાપીનગરના રશ્મિનભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો. રશ્મિનભાઈએ જણાવ્યું કે, તેઓ કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે જ સમયે આ દુર્ઘટના બની હતી. રશ્મિનભાઈની કારના ૨૦-૨૫ ફૂટ પૂર્વે જ બ્લાસ્ટ થયો હતો. તેઓ ત્યાંથી પસાર થયાના માત્ર ૩-૪ સેકન્ડ બાદ આ ઘટના બની અને તેઓ ઘટનામાંથી બચી ગયા હતા.
બ્લાસ્ટ થતા જ રશ્મિનભાઈ પોતાની કાર લઈ પરત ફર્યા. ધડાકા સાથે થયેલ બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગી હતી. વધુમાં રશ્મિનભાઈએ જણાવ્યું હતું કે, મારી જિંદગીમાં આવો ધડાકો મેં ક્યારેય નથી જોયો, અણુબોમ્બ જેવો ધડાકો હતો. હું ૩-૪ સેંકડ વહેલો હોત તો કદાચ આજે તમારી સાથે વાત કરવા જીવિત ના હોત.
જણાવી દઈએ કે, ઉડાન સમયે પ્લેનની ઊંચાઈ 625 ફૂટ હતી. પ્લેન ક્રેશ થતાં જ તેના ઇંધણમાં આગ લાગી ગઈ. જોરદાર વિસ્ફોટથી તે ટાંકી ફાટી ગઈ, પ્લેન સળગી ગયું. દૂરથી ગાઢ કાળો ધુમાડો દેખાતો હતો. ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રસ્તાઓ પર મૃતદેહો વિખરાયેલા હતા. મોટાભાગના મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. તેમની ઓળખ પણ થઈ શકી ન હતી.