છેલ્લા અનેક વર્ષોની માંગણી અને રજૂઆતો તેમજ સ્કૂલોની હદની ગૂંચવણો વચ્ચે સરકારે અમદાવાદ શહેર ડીઈઓ-જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની વિભાજન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી હવે અમદાવાદમાં પૂર્વની કચેરી અને પશ્ચિમ કચેરી એમ બે કચેરી બનશે. સરકારની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ પાસેથી સ્કૂલોની વિગતો માંગવામા આવી છે. સરકારે કચેરીના વિભાજન માટે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માટે જિલ્લા શિક્ષણાધિકારી વર્ગ-1ની જગ્યા મંજૂર કરી છે. જો કે, સંચાલકો દ્વારા કોર્પોરેશનની હદ મુજબ સ્કૂલોનું વિભાજન કરવા માંગણી કરી છે.

