
ગુજરાત ATS અને હરિયાણા STFના સંયુક્ત ઓપરેશનમાં ફરીદાબાદના પાલીથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકી અબ્દુલ રહમાનને રામ મંદિર પર હુમલાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. અયોધ્યાના 19 વર્ષના અબ્દુલ રહમાનને આ હુમલા માટે પુરી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. બ્રેનવૉશ, મહિનાઓની ટ્રેનિંગ અને હવે બે ગ્રેનેડ આપીને તેને નાપાક યોજનાને પાર પાડવા માટે મોકલવામાં આવ્યો હતો.જોકે, અયોધ્યા માટે નીકળે તે પહેલા જ ગુજરાત ATSની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો
ગુજરાત ATSની ટીમ 19 વર્ષના અબ્દુલ રહમાનને લઇને ગુજરાત આવી હતી અને તેની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછમાં આ વાત સામે આવી છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આરોપીનું આતંકી ઘટનાને અંજામ આપવા માટે બ્રેનવૉશ કરવામાં આવ્યું હતું. અયોધ્યાના મિલ્કીપુરમાં દુકાન ચલાવનાર અબ્દુલ રહમાન રામ મંદિરની લાંબા સમયથી રેકી કરતો હતો.ગુજરાત ATSના હાથમાં આવ્યા પહેલા અબ્દુલે ખુલાસો કર્યો કે રામ મંદિરને ઉડાવવાનું ષડયંત્ર આતંકી સંગઠનોએ રચ્યું હતું.
ISના ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ મૉડ્યૂલ સાથે જોડાયેલા અબ્દુલ રહમાન નામ બદલીને મોટું ષડયંત્ર રચતો હતો, તેને વીડિયો કોલ પર ટ્રેનિંગ લીધી હતી. તેને દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો.આ સમયગાળા દરમિયાન તે કોના સંપર્કમાં હતો તે જાણવાનો પ્રયાસ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.
મોબાઇલમાં કેટલાક ધાર્મિક સ્થળની તસવીરો અને વીડિયો મળ્યા
નિશાના પર રામ મંદિર સિવાય પણ કેટલાક અન્ય ધાર્મિક સ્થળ હતા. અબ્દુલ રહમાનના મોબાઇલમાં કેટલાક અન્ય ધાર્મિક સ્થળોની તસવીરો અને વીડિયો મળ્યા છે જેને લઇને સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.
રામ મંદિર અને આસપાસના ફૂટેજ તપાસી રહી છે એજન્સીઓ
સુત્રોએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ રામ મંદિર અને આસપાસના CCTV કેમેરાની ફૂટેજ પણ તપાસશે. રામ મંદિરની રેકી સિવાય તે જ્યાં જ્યાં ગયો તેની સાથે કોણ કોણ હાજર હતું? અબ્દુલ રહમાનના ફરીદાબાદ પહોંચવાનું રહસ્ય CCTV કેમેરા દ્વારા શોધવામાં આવશે. તપાસમાં જોડાયેલી ગુજરાત ATS અને પલવલ STFની ટીમ અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, નવી દિલ્હી રેલવે સ્ટેશન અને આ સિવાય ફરીદાબાદ પાલીમાં ઘટનાસ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસી રહી છે.