
ગુજરાત ATSની ટીમે હરિયાણા STF સાથે મળીને બે આતંકીની હરિયાણાના ફરીદાબાદથી ધરપકડ કરી છે. આતંકીના ઘરમાંથી ગુજરાત ATSને બે હેન્ડગ્રેનેડ પણ મળી આવ્યા છે. ગુજરાત ATSની ટીમે આ ઓપરેશન હરિયાણામાં જઇને આ આખુ ઓપરેશન પાર પાડ્યું હતું.
હરિયાણાના ફરીદાબાદના પાલી વિસ્તારમાં ગુજરાત ATSની ટીમ પહોંચી હતી જ્યાં કોઇ ખાસ સંગઠન સાથે જોડાયેલા યુવકની બાતમી મળી હતી. ATSની ટીમે તપાસ હાથ ધરતા એક મકાનમાંથી હેન્ડગ્રેનેડ મળી આવ્યા હતા. સુત્રો અનુસાર રવિવાર સાંજના સમયે ગુજરાત ATS અને ફરીદાબાદ પોલીસની ગાડીઓ પાલી વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ પણ તૈનાત હતો.
ગુજરાત ATSને આતંકીના મળ્યા હતા ઇનપુટ
ગુજરાત ATSની ટીમે ગુજરાતમાંથી એક યુવકની ધરપકડ કરી હતી જેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદમાં કેટલાક ઇનપુટ મળ્યા હતા. તે બાદ ગુજરાત ATSની ટીમ ફરીદાબાદ પહોંચી હતી અને આતંકીને ઝડપી પાડ્યો હતો. આતંકીનું નામ અબ્દુલ રહમાન છે, જેની ઉંમર લગભગ 19 વર્ષ છે. ધરપકડ કરાયેલો શખ્સ ઉત્તર પ્રદેશના ફૈજાબાદના મિલ્કુપુરનો છે. અબ્દુલ રહમાનના કોઇ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકા છે.
3-4 કલાક સુધી ચાલી તપાસ
ગુજરાત ATSની ટીમ 3થી 4 કલાક સુધી ફરીદાબાદના પાલી વિસ્તારમાં તપાસ કરતી રહી હતી. વિસ્તારની તપાસ દરમિયાન યુવકની પૂછપરછમાં ઘટનાસ્થળેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. યુવક કોઇ સંગઠન સાથે જોડાયેલો હતો અને કઇ ઘટનામાં યુવકને ATSએ પકડ્યો છે તેની કોઇ જાણકારી હજુ સુધી મળી નથી.
પોલીસ પણ હાજર રહી
આ ઘટનામાં ફરીદાબાદ પોલીસના કર્મચારી પણ ગુજરાત ATSની ટીમ સાથે પાલી વિસ્તારમાં હાજર હતા. આ દરમિયાન તે વિસ્તારમાં કોઇ પણ સિવિલિયનને પરવાનગી આપવામાં આવી નહતી. આ ઘટનાની જાણકારી માટે ફરીદાબાદ પોલીસના પ્રવક્તા યશપાલ સિંહ સાથે વાત કરવામાં આવી તો તેમને પણ આ કઇ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત ATSની ટીમ આતંકીને પોતાની સાથે લઇને આવી હતી. આ સિવાય બે હેન્ડગ્રેનેડ પણ કબ્જે લઇને વધુ તપાસ હાથ ધરી છે.