
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. આ ઘટનાના મુખ્ય આરોપી પંકજ ભાવસારના કહેવા પર ટોળાએ આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ રાજ્યના પોલીસ વડા એક્શનમાં આવ્યા હતા અને સમગ્ર રાજ્યમાં અમાસાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાનો મુખ્ય આરોપી ઘટનાના 12 દિવસ થયા પછી પણ પકડાયો નથી જેને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પર સવાલ ઉભા થયા છે.
વસ્ત્રાલની ઘટનાનો મુખ્ય આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પકડી શકી નથી
વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોના આતંકનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર પોલીસ પકડથી દૂર છે. જાંબાઝ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રીઢા ગુનેગાર પંકજ ભાવસારને પકડી શકતી નથી. 11 દિવસ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ પંકજ ભાવસાર ક્રાઇમ બ્રાન્ચની પકડથી દૂર છે. પંકજ ભાવસારને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચ દિશા વિહીન બની ગઇ છે. આરોપી પંકજનું લોકેશન પણ ક્રાઇમ બ્રાન્ચને મળતું નથી.
પંકજ ભાવસાર સામે અનેક ગુના નોંધાયેલા છે
પંકજ ભાવસાર વસ્ત્રાલ ઘટનાનો મુખ્ય આરોપી છે. 13 માર્ચ 2025ના રોજ અમદાવાદના વસ્ત્રાલમાં 20 લોકોના ટોળાએ તલવારો, લાકડીઓ અને લોખંડની પાઇપો વડે રસ્તા પર લોકો પર હુમલો કર્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ હિંસા પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના બે વ્યક્તિઓ વચ્ચે એક ફૂડ સ્ટોલ ખોલવા અંગેના વિવાદને કારણે થઇ હતી. પંકજ ભાવસારને લાગ્યું હતું કે સિકરવારે તેને સ્ટોલ ખોલવામાં અવરોધ ઊભો કર્યો હતો. જ્યારે સિકરવાર તાજેતરમાં જેલમાંથી છૂટ્યો હતો ત્યારે પંકજ ભાવસારે તેના સાથીઓને સિકરવાર પર હુમલો કરવા મોકલ્યા હતા પરંતુ સિકરવાર ત્યાં ન મળતાં, ટોળાએ રસ્તા પર રાહદારીઓ અને વાહનો પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ ઘટનામાં પોલીસ દ્વારા 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક સગીર પણ સામેલ છે. જોકે, આ ઘટનાનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજુ પણ ફરાર છે અને પોલીસ તેને શોધી શકતી નથી. પંકજ ભાવસાર સામે અગાઉ પણ રાયોટિંગ, હથિયાર ધારાના ગુના અને પાસા (PASA) હેઠળ કેસ નોંધાયેલા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કાગળ પરનો વાઘ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુનાખોરી પર નિયંત્રણ મુકી ના શકતા સવાલ ઉભા થઇ રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં ખૂન, લૂંટ, ચોરી,નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ, સાયબર ક્રાઇમ જેવા ગુનાઓમાં વધારો થયો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કામ કરતી હોય તેમ લાગતું નથી.