અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક સપ્તાહ પૂર્ણ થયું છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે આ ઘટનાની તપાસ કેટલે પહોંચી અને અત્યાર સુધી કેટલા મૃતકોની ઓળખ થઇ તેને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અત્યાર સુધી 222 લોકોની ઓળખ થઇ- પોલીસ કમિશનર
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે, પોલીસ પણ તપાસનો પોતાનો ભાગ ભજવે છે પરંતુ અત્યારે અન્ય એજન્સીઓ અને નિષ્ણાતો બ્લેક બોક્સનું વિશ્લેષણ કરવા જેવા ટેકનિકલ ભાગનું કામ કરે છે અને તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 222 લોકોની ઓળખ થઇ છે તેમાંથી 214ના DNAના નમૂનાના આધારે અને 8 લોકોની ઓળખ DNA વગર થઇ છે અને તેમના મૃતદેહ તેમના પરિવારોને સોપવામાં આવ્યા છે.
શહેર પોલીસ કમિશનરે કહ્યું કે, "12 જૂનના રોજ ઘટેલી દુર્ઘટનામાં 242 મુસાફરો વિમાનમાં સવાર હતા. 1.40 કલાકે વિમાન ક્રેશ થયું હતું. 1.42 કલાકે કંટ્રોલને આ ઘટનાની જાણ થઇ અને બે મિનિટમાં જ કંટ્રોલે શહેર પોલીસ કમિશનરને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડે તરત જ રેસક્યૂનું કામ કરી દીધુ હતું. પેરામિલિટરી ફોર્સ, NDRF,CISF, આર્મી અને એરફોર્સના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ એમ્બ્યુલન્સમાં લોકોને લઇને ગયા હતા. આ ઘટનાની તપાસ માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પોલીસ, ડૉક્ટર તેમજ આ કામમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે, "14 જૂનના રોજ પ્રથમ DNAનો રિપોર્ટ મળ્યો હતો. FSL આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને DNA રિપોર્ટ આપ્યા છે. એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, પોલીસ અને ડોક્ટરોએ ખુબ જ સારી કામગીરી કરી છે."