અમદાવાદ ભલે સ્માર્ટ સિટી બન્યું હોય પરંતુ દર વર્ષે ચોમાસાના પહેલા વરસાદથી જ રોડ ઉપર ખાડાઓના ખંજન પડવા લાગે છે. ઉબડ ખાબડ બરછડ રોડ તો સમજ્યા પરંતુ જ્યાં અગાઉ રોડ ઉપર ખાડા પૂરીને કોન્ટ્રાક્ટરોએ થિગડા માર્યા છે, એવા થિગડાઓના ચીંથરા ઉડી ગયા છે. અમદાવાદમાં ઠેરઠેર રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે. અમદાવાદ શહેરમાં 15 ઈંચ વરસાદમાં જ 3 હજારથી વધુ ખાડાઓ પડ્યા છે. દર વર્ષે રસ્તાઓ તૂટી જાય છે. અને પાછા આ ખાડાઓ ભરવામાં પણ ભ્રષ્ટાચાર થાય છે.
અમદાવાદમાં એક મહિનામાં પડેલા 15 ઈંચ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે. શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તા અને તળાવો પણ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. એટલું જ નહીં, રસ્તાઓ પર ત્રણેક હજાર ખાડા પણ પડી ગયા છે અને ક્યાંક તો ઓવરબ્રિજના રસ્તા પણ તૂટેલા જોવા મળે છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને આદેશ કર્યો છે કે, આ ત્રણેક હજાર જેટલા ખાડા ત્રણ દિવસમાં પૂરી દો. આ ઉપરાંત તેમણે એવો પણ નિર્દેશ કર્યો છે કે, મ્યુનિસિપાલિટી સહિતના તમામ વિભાગના અધિકારીઓએ વરસાદ વખતે તેમને સોંપાયેલા વિસ્તારમાં જઈને પાણીના નિકાલ સહિતની કાર્યવાહીમાં સક્રિય થવું પડશે.