
Koba Tirth: અમદાવાદ શહેરને અડીને આવેલા કોબા સર્કલથી અંદર મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્યતિલકનો અદભુત નજારો જોવા મળ્યો હતો. આ મનમોહક નજારો દર વર્ષે મે મહિનાની 22 તારીખે બપોરના 2 વાગ્યે અને 7 મિનિટે મહાવીર સ્વામીના કપાળ પર સૂર્યતિલક રચાય છે. આ સૂર્યતિલક વર્ષ-1987થી આ અદભુત નજારો સર્જાયો છે. આ દ્રશ્ય જોવા જૈન સિવાય પણ અન્ય લોકો પણ જોવા આવતા હોય છે. આ સૂર્યતિલકની અદભુત ક્ષણ ત્રણ મિનિટ સુધી ચાલે છે.
મળતી વિગતો અનુસાર, દર વર્ષની જેમ આજે 22મેએ બપોરના બે વાગ્યાને 7 મિનિટના સમયે કોબામાં આવેલા ભગવાન મહાવીરની વિશાળ પ્રતિમાના લલાટ પર સૂર્યતિલકનું સુંદર દ્રશ્ય રચાયું હતું. આ નજારો જોવાના સેંકડો લોકો સાક્ષી બન્યા હતા. આ દુર્લભ ઘટનાને લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવી હતી. જેથી આનો વધુમાં વધુ લોકો જોઈ શકે.
દર વર્ષે મે મહિનામાં સૂર્ય તિલક સર્જાય છે
22મી મેના દિવસે ગાંધીનગર જિલ્લામાં આવેલા કોબામાં ભગવાન મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સૂર્ય તિલકનો દિવ્ય પ્રસંગ યોજાય છે. બપોરના 2 વાગ્યે અને 7 મિનિટે સૂર્ય ભગવાને મહાવીર સ્વામિનાં લલાટ પર તિલક કરે તેવો અનુપમ નજારો હોય છે. આ દ્રશ્ય સતત 3 મિનિટ સુધી મહાવીર સ્વામીનાં ભાલ પર સૂર્ય તિલક જોવા મળતું હોય છે. જોકે આ નજારો જોવા માટે દૂર દેશાવરથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. વાસ્તવમાં આ કોઈ ચમત્કાર નથી એક વૈજ્ઞાનિક યોગ છે. આ દેરાસરની રચના ખગોળશાસ્ત્ર, જયોતિશાસ્ત્રનાં સમનવયથી કરવામાં આવી છે.
જૈન સમાજના આચાર્ય એવા શ્રી કૈલાસ સાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબ જ્યારે કાળધર્મ પામ્યા હતાં, ત્યારે તેમની સમાધિની તારીખ 22 મે બેને સાત મિનિટ હોવાથી તેમના શિષ્યોએ આ દિવસ તમામ લોકોને યાદ રહે એટલા માટે આ જૈન દેરાસરની રચનાની ડિઝાઈન જ એવી કરી કે દર વર્ષે 22 મેએ બપોરે મહાવીર સ્વામીના કપાળ પર સૂર્યતિલક રચાય.