
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ કૌભાંડ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ડોક્ટર દેવાંગ રાણાએ પોતાના સસ્પેનશન તથા કામગીરી અંગે ખુલાસો કર્યો છે. AMC METને લેખિતમાં ખુલાસો કર્યો છે.
મેં કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરી નથી - ડો. દેવાંગ રાણા
દેવાંગ રાણાએ જણાવ્યું હતું કે, મેં કોઈપણ પ્રકારની ગંભીર બેદરકારી, નાણાકીય ગેરરીતિ કે ગેરવર્તણૂક આચરી નથી. મ્યુનિસિપલ કમિશનર અને NHL મેડિકલ કોલેજના ડીનના આદેશથી મને વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ હેડ બનાવવામાં આવ્યો હતો. NHL મેડિકલ કોલેજના ડીન અને વીએસ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટની મંજૂરીથી કામગીરી કરેલી છે. AMC METની SOP માત્ર NHL, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને AMCMET ડેન્ટલ કોલેજ પૂરતી જ મર્યાદિત છે. મારી કામગીરી માત્ર એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે કે નહીં તે જોવાની છે.
નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી
દેવાંગ રાણાએ વધુમાં માહિતી આપી કે, નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી. AMCએ મારી પાસેથી કોઈપણ પુરાવા માંગ્યા નથી. પ્રિન્સિપલ ઇન્વીસ્ટીગેટર તરીકે તમામ પુરાવા વીએસ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટને 17 માર્ચ અને 28 માર્ચે આપ્યા છે. જેમાં આજ સુધી થયેલ તમામ ટ્રાયલની માહિતી વિગતવાર આપી છે. આ તમામ ટ્રાયલ DCGIના નિયમ મુજબ થયેલા છે. તેમજ તમામ ટ્રાયલ સુપ્રીટેન્ડન્ટની જાણમાં થયેલ છે. જેની તપાસ કરીને ખરાઈ થયેલ છે. મને મળેલા મહેનતાણાની રકમની માહિતી સાઇટ મેનેજિંગ ઓફિસર દ્વારા આપને જણાવેલ છે.
આ બાબતે ઉપરી અધિકારી તેમને માનસિક ત્રાસ આપતા હતા
નાણાકીય બાબતને લઈ દેવાંગ રાણાએ જણાવ્યું કે, મારા સગા સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત ખોટી છે. તમામમાં હું જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર છું અને તમામ રકમ મને મહેનતાણા તરીકે મળેલ છે. દેવાંગ રાણાએ વધુમાં આરોપ લગાવ્યા હતા કે, આ બાબતે ઉપરી અધિકારી તેમને માનસિક ત્રાસ આપતા હતા. 22 જાન્યુઆરી 2025ના રોજ દેવાંગ રાણાએ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ કરી હતી.