
અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મી પર હુમલો થવાની ઘટના સામે આવી હતી જેમાં હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પારિવારિક ઝઘડાને લઈ પોલીસ મથકે આવેલી મહિલા તથા તેના સાથીદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં તોડફોડ સાથે પોલીસકર્મીને માર મારી ધમકી આપવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, મહિલાને પારિવારિક ઝગડાને લઈ કોઈક કેસ ચાલુ છે. જેમાં સાસરી પક્ષ તરફથી ફરિયાદો હોવાથી સાસરી પક્ષના લોકો તેને ઘરમાં આવવા દેતા નહોતા. જેથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રુમમાં પોલીસ દ્વારા મહિલાની સમસ્યાના નિવારણરુપે કેટલાક સુચન કરવામાં આવ્યા હતા. જ્યાં મહિલા અચાનક જ ઉશ્કેરાઈ ગઈ અને પોલીસકર્મીઓ સાથે અસભ્ય વર્તન કરવા લાગી હતી તેમજ આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મહિલાની સાથે આવેલા અન્ય બે એનજીઓના કર્મચારીઓએ પણ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારી પર હુમલો થતાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.