
ક્રિકેટ પ્રીમિયર લીગ 2025 આ વર્ષે ફરી આવી ગઈ છે, 31 મે-15 જૂન દરમિયાન તૈયાર થઈ જાઓ રોમાંચના રોલરકોસ્ટર માટે
જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ક્રિકેટ પ્રીમિયર લીગ (સીપીએલ)ની બીજી આવૃત્તિ આ વર્ષે ફરી પાછી આવી ગઈ છે. જે અમદાવાદમાં આવેલા એસજીવીપી ગ્રાઉન્ડ્સ ખાતે 31 મે-15 જૂન, 2025 દરમિયાન યોજાશે. ચિરિપાલ ફાઉન્ડેશનના નેતૃત્ત્વ હેઠળ લૉન્ચ થયેલી સીપીએલનો ઉદ્દેશ્ય રણજી ટ્રોફીના ઉત્કૃષ્ટ ખેલાડીઓ અને ઉભરી રહેલી સ્થાનિક પ્રતિભાઓ પોતાનું કૌવત દેખાડી શકે તે માટે તેમને એક સંરચિત, પ્રોફેશનલ પ્લેટફૉર્મ પૂરું પાડી ગુજરાતના ઘરેલું ક્રિકેટના લેન્ડસ્કેપને નવા સ્તરે લઈ જવાનો છે. અમદાવાદમાં આવેલી ડબલટ્રી બાય હિલ્ટન ખાતે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા પૂરી થવાની સાથે જ આ સીઝનની તૈયારીઓ રવિવાર - 17 મે, 2025ના રોજ શરૂ થઈ હતી. રવિવારના રોજ યોજાયેલા લાઇવ ઇવેન્ટ દરમિયાન તમામ 6 ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમોને એકઠી કરી હતી.
સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ એમ 6 ફ્રેન્ચાઇઝીઓ આ રોમાંચક બીજી સીઝન માટે વાપસી કરવા માટે તૈયાર છે. નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા અને સ્પર્ધાત્મક સંતુલન જાળવવા માટે, CPL 2025 પ્લેયર ડ્રાફ્ટ 12 રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે. ડ્રો નક્કી કરશે કે ટીમો પ્રથમથી છઠ્ઠા સુધી કયા ક્રમમાં ખેલાડીઓને પસંદ કરે છે. આ રેન્ડમાઇઝ્ડ પસંદગી પ્રક્રિયા દરેક ટીમને મજબૂત અને સંતુલિત ટીમ બનાવવાની સમાન તક આપે છે.
આ હરાજીના ભાગરૂપે ટીમોને ડ્રૉ મિકેનિઝમ મારફતે રાઉન્ડ 1 માટેનો ક્રમ રેન્ડમ રીતે સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યાં સુધી 15થી 18 ખેલાડીઓની ટીમ સંપૂર્ણપણે બની ના જાય ત્યાં સુધી ટીમના માલિકોએ એક પછી એક ક્રમિક રીતે યોજાયેલા રાઉન્ડમાં વિવિધ વિકલ્પોને પસંદ કર્યા હતાં. પ્રત્યેક ટીમે ઓપનરો, ફાસ્ટ બોલરો, સ્પિનરો અને ઑલ-રાઉન્ડરો માટેના એક લઘુત્તમ ક્વૉટાની સાથે ટીમની સંતુલિત સંરચના જાળવવી પડે તેમ છે, જેથી કરીને પ્લેઇંગ ઇલેવનમાં ડેપ્થ અને વેરાઇટીની ખાતરી કરી શકાય.
ચિરિપાલ ફાઉન્ડેશન દ્વારા રજૂ કરવામાં આવેલી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) દ્વારા સમર્થિત આ ટુર્નામેન્ટ ગુજરાતમાં ક્રિકેટની ભાવનાને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રમુખ ઇવેન્ટ બની ગયો છે. આ પહેલ અંગે વધુ વિગતો પૂરી પાડતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ નરહરી અમીને જણાવ્યું હતું કે, ‘હું રોનક, વંશ અને ગૌરવ જેવા જુસ્સેદાર ઉદ્યોગસાહસિકોને સમર્થન પૂરું પાડીને ખૂબ જ ખુશ છું, જેઓ આ પ્રકારનું પ્લેટફૉર્મ બનાવીને ઉભરી રહેલા યુવાન ક્રિકેટરોને સપોર્ટ કરવા માગે છે. આઈપીએલની જેમ, હું ઈચ્છું છું કે આ ટુર્નામેન્ટ આગળ વધે અને આવનારા વર્ષોમાં ભારતની શ્રેષ્ઠ લીગમાંની એક બને. આ ટુર્નામેન્ટને ટેકો આપવા બદલ હું જીસીએનો આભારી છું, અને બીજી આવૃત્તિ વધુ મોટી, વધુ સારી અને વધુ મનોરંજક હશે. તમામ ફ્રેન્ચાઇઝીના માલિકોને મારી શુભેચ્છાઓ છે અને મને વિશ્વાસ છે કે તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ખેલદિલીની સાચી ભાવના રજૂ કરશે.’
વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ ટાંકીને નરહરી અમીને વિનંતી કરી હતી કે, આ લીગની આગામી સીઝનોમાં કેટલાક અંડર-14 અને અંડર-16 ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવે. જેથી કરીને યુવાનોને તેમના ક્રિકેટના કૌશલ્યો રજૂ કરવાની અને તેમની ગેમને પરિપક્વ બનાવવાની તક પ્રાપ્ત થઈ શકે.
ગુજરાત રણજી ટ્રોફીની પસંદગી સમિતિના ચેરમેન શ્રી કિરાટ દામાણીએ જણાવ્યું હતું કે, ‘આ એક શાનદાર અને ખૂબ જ વિચારપૂર્વક શરૂ કરવામાં આવેલી પહેલ છે, જે રાજ્યમાં આ ગેમ અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સંરચિત કૉર્પોરેટ અને પ્રોફેશનલ ક્રિકેટરોની વચ્ચે મજબૂત અને અર્થપૂર્ણ જોડાણ કરશે. ગુજરાતના 84 ખેલાડીઓ અને થોડાં રાજ્યની બહારના પ્રતિભાશાળી ખેલાડીઓની સાથે અમે કંઈક વિશેષ રચના કરી રહ્યાં છીએ. આઇપીએલએ આપણાં ખેલાડીઓની વિચારસરણીમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે અને આત્મીયતાની ભાવનાને વધુ બળવત્તર બનાવી છે. આ પ્રયાસનો પ્રત્યેક હિસ્સો ક્રિકેટની મૂળભૂત ભાવનામાં નિહિત છે. તેમાં પ્રતિદિન સુધારો થઈ રહ્યો છે.’અમારું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ છે - રાજ્ય માટે અને આખરે દેશ માટે રમવું. અમે ઇચ્છીએ છીએ કે અમારા ક્રિકેટરો તેમની ગેમથી ખૂબ સારી રીતે પરિચિત થઈ જાય. આ સમગ્ર કવાયત ગુજરાત ક્રિકેટના શ્રેષ્ઠ હિતમાં છે.’
ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર અને સીપીએલના સહ-સ્થાપક રોનક ચિરિપાલએ જણાવ્યું હતું કે, ‘સીપીએલ 2025 જ્યાં ગુજરાતની ક્રિકેટ રમવાની ભાવના ખીલી શકે અને સાચી પ્રતિભાઓને એક મંચ પ્રાપ્ત થઈ શકે તેવા એક પ્રમુખ પ્લેટફૉર્મની રચના કરવાના સપનાને સાકાર કરવાની દિશામાં લેવામાં બીજું મક્કમ પગલું છે. તેની પ્રથમ સીઝનને પ્રાપ્ત થયેલી અપાર સફળતાએ એ સાબિત કરી આપ્યું છે કે, ગુજરાતમાં આ રમતને સાર્થક કરવાની તીવ્ર મહત્વાકાંક્ષા, ઝુનૂન અને પ્રતિભા એમ ત્રણેય ગુણો છે. હવે તેની આ બીજી આવૃત્તિમાં આપણાં રાજ્યમાં તૈયાર થયેલા તારલાઓને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે લીગ વધુ મક્કમતા, વધુ જુસ્સા અને દ્રઢ નિશ્ચયની સાથે ફરી આવી ગઈ છે. ચિરિપાલ ફાઉન્ડેશનમાં અમે આ ચળવળને વધુ પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ સમર્પિત છીએ, જેની દરેક મેચમાં ખેલાડીઓના જુસ્સા, ગૌરવ અને ક્ષમતાને બિરદાવવામાં આવે છે.’
આશુતોષ ગ્રૂપના પ્રમોટર અને સીપીએલના સહ-સ્થાપક ગૌરવ જૈનએ જણાવ્યું હતું કે, ‘આ લીગના સહ-સ્થાપક તરીકે આ પ્રકારના પ્રતિષ્ઠિત ઇવેન્ટને આપણા રાજ્યમાં લાવીને હું અનહદ આનંદ અનુભવી રહ્યો છું. આ લીગ અત્યંત રોમાંચક મેચો અને જબરદસ્ત સ્પર્ધાની ખાતરી આપે જ છે પરંતુ તેની સાથે-સાથે તે આપણાં ખેલાડીઓને પ્રોત્સાહન અને માન્યતા આપવાની દિશામાં લેવામાં આવેલું નોંધપાત્ર પગલું પણ છે. અમે ખેલાડીઓ અને ક્રિકેટના ચાહકો બંનેને વિશ્વ-સ્તરીય અનુભવ પૂરો પાડવા માટે સમર્પિત છીએ, જે તેની દરેક મેચને એક યાદગાર પ્રસંગ બનાવી દેશે. ક્રિકેટની ભાવના અને આપણાં રણજી ટ્રોફીના ખેલાડીઓની ઉત્કૃષ્ટ પ્રતિભાને બિરદાવવામાં અમારી સાથે જોડાઓ.’
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ જોઇન્ટ સેક્રેટરી હિતેશ પટેલ આ મહત્ત્વકાંક્ષી લીગના વિઝન અને વિકાસને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા રહેશે.
હરાજી પૂરી થતાં અને ટીમો બની જતાં ક્રિકેટ, સૌહાર્દ અને પ્રતિસ્પર્ધાથી રોમાંચક બની જનારા આ પંદર દિવસ માટેની ઉત્સુકતા વધતી જઈ રહી છે, જેમાં ગુજરાતના શ્રેષ્ઠ ખેલાડીઓ સૌના કેન્દ્રમાં હશે. સીપીએલ 2025માં ભવિષ્યના સ્ટાર તો ઉભરી જ આવશે પરંતુ તેની સાથે-સાથે ભારતીય ક્રિકેટના ડોમેસ્ટિક પરિદ્રશ્યના એક પ્રમુખ ઇવેન્ટ તરીકેનું આ લીગનું સ્થાન વધુ મજબૂત બનશે.
આ ટુર્નામેન્ટની પરિકલ્પના ચિરિપાલ ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે, જેમાં આવા - વૉટર પાર્ટનર, ફેનકૉડ - સ્ટ્રીમિંગ પાર્ટનર, રીવોલ્ટ - રીફ્રેશમેન્ટ પાર્ટનર, એસજીવીપી હોસ્પિટલ - હોસ્પિટલ પાર્ટનર, સ્વાતિ સ્વિચીઝ - સ્વિચગીયર પાર્ટનર, અડોર - રીયલ એસ્ટેટ પાર્ટનર, ગ્રૂ સોલર - સોલર પાર્ટનર, એસએએસ - એજ્યુકેશન પાર્ટનર, ટિકાવૂ - અડહેસિવ પાર્ટનરનો સહકાર મળ્યો છે.
આ લીગના સ્તરને વધારવામાં તથા ગુજરાતના યુવાન અને આશાસ્પદ ક્રિકેટરોને મહત્ત્વનું પ્લેટફૉર્મ પૂરું પાડવામાં અડગ સમર્થન પૂરું પાડવા બદલ ચિરિપાલ ગ્રૂપ અને સીપીએલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના તમામ પદાધિકારીઓ અને સભ્યોના આભારી છે.
વિજેતાઓને પ્રાપ્ત થનારા રોકડ ઇનામો:
ક્રિકેટ પ્રીમિયર લીગના ચેમ્પિયનોને રૂ. 5,00,000ના આશ્ચર્યજનક રોકડ ઇનામો પ્રાપ્ત થશે, જ્યારે રનર્સ અપને રૂ. 2,50,000ના સન્માનજનક ઇનામો મળશે. મેન ઑફ ધી સીરીઝને તેના અસાધારણ પર્ફોમન્સ બદલ રૂ. 51,000નું ભવ્ય ઇનામ મળશે! તેની દરેક મેચ પોતાની પ્રતિભાને રજૂ કરવાનો એક ઉત્તમ મોકો બની રહેવાની છે, કારણ કે મેન ઑફ ધી મેચને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ રૂ. 10,000નું ઇનામ પ્રાપ્ત થશે. વળી, જે ખેલાડીઓ રેકોર્ડ્સ બનાવશે, સૌથી વધુ રન ફટકારશે, સૌથી વધારે વિકેટો લેશે અને ટુર્નામેન્ટના ઑલ-રાઉન્ડર ખેલાડી તરીકે શ્રેષ્ઠ પર્ફોમન્સ આપશે તે પ્રત્યેક ખેલાડીને રૂ. 25,000 જેવી માતબર રકમ ઇનામ તરીકે મળશે. તો તૈયાર થઈ જાઓ, તમારા કૌશલ્યોને ધારદાર બનાવો અને ક્રિકેટ પ્રીમિયર લીગમાં સર્વોચ્ચ સિદ્ધિ માટે શરસંધાન સાધો - એક એવી પ્રીમિયર લીગ જેમાં દરેક જીત ફક્ત પ્રસિદ્ધિ જ નહીં પરંતુ કાયમ માટે યાદ રહી જનારા રીવૉર્ડ્સ પણ આપે છે!