
એક બાજુ ગુજરાત સરકાર ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરવા જઈ રહ્યુ છે. ગુજરાતના દરિયાકાંઠે ક્રુઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા નક્કી કરાયુ છે. આ ઉપરાંત ગુજરાતને ક્રુઝ હબ બનાવવા સરકાર કટિબદ્ધ છે, ત્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ક્રુઝની સી-પ્લેન જેવી દશા થઈ છે. સાબરમતી નદીમાં મોટા ઉપાડે શરૂ કરાયેલું ક્રુઝ છેલ્લાં અઢી મહિનાથી બંધ અવસ્થામાં છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નિતીને પગલે આર્થિક રીતે નુકશાન થતાં ક્રુઝ પ્રોજેક્ટ પડતો મૂકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
શું બંધ થઈ જશે ક્રુઝ?
ગુજરાતના દરિયાકાંઠે ક્રુઝ ટુરિઝમ વિકસાવવાની ડીંગો હાંકવામા આવી રહી છે, ત્યારે અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ સમાન રિવરફ્રન્ટમાં શરૂ કરાયેલું ક્રુઝ હાલમાં મરણપથારીએ છે. તેનું કારણ એ છે કે, ઘણાં વખતથી સાબરમતી નદીમાં માટી-કાંપની સફાઈ કરવામાં આવી નથી જેના કારણે નદીની ઉંડાઈ ઘટી રહી છે. મુખ્યમંત્રી, પ્રવાસન વિભાગથી માંડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને રજૂઆત કરાઈ છે કે, અટલબ્રિજ અને મેટ્રો રેલ માટે નદીમાં સાડા ચાર હજાર ડમ્પર માટી નાંખવામાં આવી હતી પરિણામે નવ ફૂટ માટી-કાંપના સ્તર જામ્યાં છે. આ સ્થિતિ જેવીની તેવી જ રહી છે. કોન્ટ્રાક્ટરો માટીની સફાઈની કામગીરી કરવાનું ટાળ્યુ છે. નદીમાં માટી-કાંપના વધતા સ્તરને લીધે ક્રુઝ ચાલી શકે તેમ નથી.
સાડા ત્રણ કરોડનું નુકસાન
એવો આક્ષેપ કરાયો છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ક્રુઝના વાર્ષિક ભાડાપેટે 55 લાખ રૂપિયા મેળવવામાં જ રસ છે. ચોમાસામાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જ નદીમાંથી પાણી છોડી દેવાય છે જેના કારણે ક્રુઝ બંધ રાખવુ પડે છે. મ્યુનિ. કોર્પોરેશનની બેધારી નીતિને કારણે અત્યાર સુધી ક્રુઝ સંચાલકોને કુલ મળીને સાડા ત્રણ કરોડનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો વરસાદને કારણે ટુરિસ્ટો આવતાં નથી તેવું બહાનુ ધરી રહ્યાં છે. આમ, મ્યુનિ. કોર્પોરેશન અને ક્રુઝ સંચાલકો આમને સામને આવ્યાં છે.
આમ, રિવરફ્રન્ટ પર ક્રુઝની પણ સી-પ્લેન જેવી દશા થઈ છે. જો આ પરિસ્થિતિ રહી તો, ક્રુઝના પણ ગમે તે ઘડીએ પાટીયા પડી જાય તેમ છે.
સી-પ્લેન બંધ, ક્રુઝ મરણપથારીએ, હવે એર ટેક્સી શરુ થશે
અમદાવાદીઓને સપના દેખાડવામાં ભાજપ પાછીપાની કરે તેમ નથી. મોટા ઉપાડે શરૂ કરાયેલા સી-પ્લેનને તો સમારકામના નામે ખંભાતી તાળા મારી દેવાયાં છે. હવે કયારે શરૂ થશે તે નક્કી નથી. હવે દરિયાકાંઠે ક્રુઝ ટુરિઝમની સુફિયાણી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર અઢી મહિનાથી ક્રુઝ પડી રહ્યું છે. એક પછી એક પ્રોજેક્ટનું બાળમરણ થઈ રહ્યું છે ત્યારે રિવરફ્રન્ટ પરથી જ અમદાવાદથી માંડવી વચ્ચે એર ટેક્સી શરૂ કરવા સરકારે વિચારણા શરૂ કરી છે. અમદાવાદથી કચ્છ-માંડવી સુધી એર ટેક્સી શરૂ કરવા સરકારે એક કમિટીની પણ રચના કરી છે.