
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી સોના મહોર જ્વેલર્સ નામની દુકાનમાં કર્મચારીની જરૂર હોવાની જાહેરાત સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી, તે જોઈને એક યુવકે તે જ્વેલર્સના શોરૂમમાં નોકરી મેળવી અને એક જ દિવસમાં ચોરી કરી નાસી ગયો હતો. જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે સોલા પોલીસ દ્વારા ચોરી કરનાર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
7 એપ્રિલથી નોકરી ચાલુ કરી 8 એપ્રિલે ચોરી કરી
જાહેરાતના આધારે હર્ષ સોલંકી નામના 20 વર્ષના યુવકે 25 માર્ચના જ્વેલર્સમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને 7 એપ્રિલથી તેણે સેલ્સમેન તરીકે નોકરી ચાલુ કરી હતી. બીજા જ દિવસે એટલે કે 8 એપ્રિલે હર્ષ સોલંકીએ જ્વેલર્સના શોરૂમમાં 12.32 લાખની કિંમતની સોનાની છ વીંટી અને ત્રણ લકી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જ્વેલર્સ માલિકને ખ્યાલ આવતા તેણે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાજકોટથી હર્ષ સોલંકીની ધરપકડ કરી છે.
રાજકોટમાં જવેલર્સની દુકાનમાં નોકરી કરતો
પોલીસે આરોપી હર્ષ સોલંકીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, હર્ષ અગાઉ રાજકોટ ખાતે જવેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. જેથી તે જ્વેલર્સના કામકાજથી પરિચિત હતો. રાજકોટમાં નોકરી છોડ્યા બાદ તે હાલ બેકાર હતો અને તેના ઉપર દેવું થઈ ગયું હતું અને તે નોકરીની શોધખોળ કરતો હતો, તે દરમિયાન સોશિયલ મીડિયામાં અમદાવાદની જ્વેલર્સના શોરૂમમાં સેલ્સમેન તરીકેની નોકરીની પોસ્ટ જોતા તેણે સંપર્ક કર્યો હતો અને નોકરીએ લાગ્યો હતો. જો કે, તેને દેવું થઈ ગયું હોવાથી તેણે જ્વેલર્સમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એક જ દિવસમાં ચોરી કરી તે ફરી રાજકોટ પહોંચી ગયો હતો.
ચોરી કરેલા સોનાના દાગીના ગીરવે મૂકી રુ. 8.5 લાખની લોન લીધી
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હર્ષ દ્વારા ચોરી કરેલા સોનાના દાગીના રાજકોટમાં ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી ત્યાંથી 8.5 લાખ રૂપિયાની લોન મેળવી હતી. જેમાંથી પોતે બે લાખ રૂપિયા રોકડા રાખ્યા હતા તેમજ બે લાખ રૂપિયા તેના પિતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તો અન્ય ચાર લાખ જેટલી રકમથી તેણે દેણું ચૂકતે કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી હર્ષ સોલંકીએ રાજકોટથી અન્ય કોઈ વ્યક્તિના નામે સીમકાર્ડ ખરીદી કર્યું હતું. પોલીસ તપાસ કરી રહી છે કે, આરોપી હર્ષ સોલંકી દ્વારા સીમકાર્ડ ખરીદી કરવામાં આવ્યું છે તે કોના નામ પર રજીસ્ટર છે. આ ઉપરાંત હર્ષ સોલંકીએ અન્ય કોઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી છે.