જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ છે. આ હુમલામાં ગુજરાતના 3 સહિત દેશના 26 પ્રવાસીઓના મોત થયા હતા. પહેલગામ હુમલામાં અમરેલીનો પરિવાર દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડતા બચી ગયો હતો.
અમરેલીનો પરિવાર પહેલગામ હુમલામાં બચી ગયો
અમરેલીના કિરીટ પાઠક પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને હુમલાના સમયે તે પોતાની પત્ની અને દીકરી સાથે પહેલગામમાં જ હતાં. કિરીટ પાઠક સાવરકુંડલામાં મામલતદાર તરીકે ફરજ નિભાવે છે. વેકેશન હોવાના કારણે કિરીટ પાઠક અને તેમની પત્ની ક્રિષ્ના પાઠક પાંચ વર્ષની દીકરી સાથે કાશ્મીર ફરવા ગયા હતાં. તેઓ આતંકવાદી હુમલાના સમયે પહેલગામમાં જ હતાં. કાર ડ્રાઇવર પાઠક પરિવારને બેસરન વેલીમાં લઈ જવા નીકળ્યો હતો. બેસરન મેદાન પાંચ કિલોમીટર ઊંચાઈએ હોવાથી ત્યાં ઘોડા પર બેસીને જવું પડે છે. પાઠક પરિવાર ઘોડા પર બેસીને જવાની તૈયારી શરૂ કરી પરંતુ, તેમની પાંચ વર્ષની દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી દીધી હતી. માતા-પિતાએ સમજાવ્યું તેમ છતાં દીકરી ઘોડા પર બેસવાની ના પાડતી હતી તેથી, પિતાએ દીકરીનું માન રાખ્યું અને ત્યાં જવાનું માંડી વાળ્યું હતું.
ડ્રાઇવરે પાંચ વર્ષની દીકરીને પગે લાગી માન્યો આભાર
દીકરીના નિર્ણય બાદ જેવું ત્યાં જવાનો નિર્ણય બદલ્યો તેની થોડીવાર બાદ સેનાના જવાનો કાદવથી ખરડાયેલી કેટલીક મહિલાઓને લઈને નીકળી રહ્યા હતાં. પરિવારને થોડું અજીબ લાગ્યું. બાદમાં તપાસ કરતા ડ્રાઇવરે જણાવ્યું કે, ઉપર આતંકવાદી હુમલો થયો છે. જોકે, દીકરીના ના પાડવાના કારણે તમામના જીવ બચી જતાં ડ્રાઇવરે પાંચ વર્ષની દીકરીને પગે લાગી તેનો આભાર માન્યો હતો.