
છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી સહિતના જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમ્યાન આજે બાબરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. જે બાદ લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અમરેલી જિલ્લા સહિત ગ્રામ્યમાં ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હરી હતી. જે બાદ બાબરા તાલુકામાં ગેરકાયદે રીતે ચાલતી બેલાની ખાણમાં રેડ પાડી હતી. જેમાં એક રીતેનું ટ્રેકટર, એક બેલાના પથ્થરનો ઓવરલોડ ટ્રક, પાંચ જેટલી ચકરડી મશીન, જનરેટર જપ્ત કર્યા હતા. આ દરોડામાં ખાણ ખનીજ વિભાગે 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. બાબરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગના દરોડાને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
ગઈકાલે સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગે ભારે કામગીરી કરી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંતમાં ખનીજ અધિકારીઓએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને મૂળી તાલુકાના ત્રણ ગામોમાં ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો ઝડપ્યો હતો. પ્રાંત અધિકારી તથા ચોટીલા, થાનગઢ અને મૂળી મામલતદારોની સંયુક્ત ટીમ ત્રાટકી હતી અને ખનીજનો વિપુલ માત્રાનો જથ્થો સહિત દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત લીધો હતો.