
Anand News: આણંદ પાદરા ગંભીરા બ્રિજ તૂટવાને મામલે હવે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે. ગંભીર બ્રિજ તૂટતા નોકરીમાં જવા અને આવવા માટે છ કલાકનો વધારાનો સમય લાગી રહ્યો છે. આણંદ-વડોદરાને જોડતો અન્ય સિંધરોટ બ્રિજ પણ સાવચેતીના ભાગ રૂપે બંધ કરાયો છે. સમયના વેડફાટને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. જેથી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે.
બ્રિજ તૂટતા સ્થાનિકોને ખુબ જ મુશ્કેલી સર્જાઈ
અગાઉ નોકરિયાત વર્ગ એક કલાકમાં જઈને આવી શકતો હતો તેની જગ્યાએ વધુ સમય વેડફાય છે. તંત્ર દ્વારા સિંધરોટ ઉમેટા બ્રિજ પણ બંધ કરી દેતા નોકરિયાત અને રોજિંદા કામકાજ માટે આવતા લોકોનો સમય વેડફાય છે. આણંદથી મોટી સંખ્યામાં લોકો અવર જવર માટે ગંભીરા બ્રિજનો ઉપયોગ કરે છે. જે બ્રિજ તૂટી જતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
આણંદના 10 હજારથી વધુ યુવાનો વડોદરા અપડાઉન કરે છે
આણંદ જિલ્લામાંથી 10 હજારથી વધુ યુવાનો નોકરી માટે વડોદરા જિલ્લામાં જાય છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં તે અનેક એકમો આવેલા છે. બ્રિજ તૂટી પડતા હવે વાસદ થઈ વડોદરા અને ત્યાંથી પાદર જતા 3 કલાક લાગે છે. નોકરિયાતો સાથે કંપનીઓના પેટા કોન્ટ્રાક્ટરો પણ હવે મનમાની કરી રહ્યા છે. કામના કલાકો કરતા આવન જાવનમાં કલાકો વેડફાતા હોવાની નોકરિયાતોએ રજુઆત કરી હતી.
બ્રિજ તૂટતા હવે ઘરે પહોંચતા 3 કલાક લાગે છે
આજે 800 જેટલા કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સરકાર કંપનીઓને તાકીદ કરે અને કામના કલાકો સાથે મુસાફરીના કલાકો પણ જોડે, અથવા કંપનીઓ આવવા જવાનું ભથ્થું આપે. બ્રિજ તૂટતા પહેલા નોકરિયાતો માત્ર એક કલાકમાં પહોંચતા હતા નોકરીથી ઘરે, પરંતુ હવે ઘરે પહોંચતા એક નહીં ત્રણ કલાકનો સમય લાગે છે.