
આણંદના ચીખોદરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડા શાખામાં લોકર ધરાવતા વઘાસીના દંપત્તિના લોકરમાંથી સમયાંતરે કુલ ૬૦ તોલા સોનાના દાગીના તેમજ ૧૦.૫૦ લાખની રોકડ રકમની ચોરી થતા સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લોકરમાંથી ઘરેણાં તેમજ રોકડ રકમ ગાયબ થતા શંકાની સોય બેંકના સેવક ઉપર તકાઈ હતી અને ફરિયાદ થતાની સાથે જ બેંકનો સેવક ફરાર થતા પોલીસની શંકા હકીકતમાં બદલાઈ હતી. જો કે, ફરિયાદ નોંધાયાના પાંચ મહિના બાદ આરોપી સેવકે પોલીસ સમક્ષ સરન્ડર કરી લેતા પોલીસે તેની કાયદેસરની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે, સમગ્ર મામલે આરોપીએ પોતાને નિર્દોષ ગણાવતા પોલીસ માટે પણ હવે આ ગુનાનો ભેદ ઉકેલવો પડકારજનક છે.
પહેલાં જોયું તો લોકરમાં બધું બરાબર હતું
આણંદ નજીકના વઘાસી ગામમાં રહેતા સુભાષભાઇ કાન્તીભાઇ પટેલ અને તેમના પત્ની સુનીતાબેનના સંયુકત નામે બેંક ઓફ બરોડા, ચિખોદરામાં લોકર આવેલું છે. અને આ લોકરમાં સુભાષભાઇ અને તેમના પત્ની થોડા થોડા સમયે સોનાના દાગીના અને રોકડ રકમ મૂકતા હતા. ઉપરાંત ચાંદીના સિકકા અને પાડુરંગ શાસ્ત્રીની ચાંદીની ૧૦૦ ગ્રામ વજનની પ્રતિમા પણ મૂકી હતી. આ દંપતિને જરુર પડે ત્યારે લોકરમાંથી દાગીના કાઢતા હતા અને પ્રસંગ પત્યા બાદ ફરી પાછા લોકરમાં મૂકી દેતા હતા. ગત ૭ ફેબ્રુ.ર૦ર૪ના રોજ સુભાષભાઇ અને તેમનો નાનો દિકરો જીગ્નેશ બંને ચિખોદરા સ્થિત બેંકમાં લોકર ઓપરેટ કરવા માટે ગયા હતા, જ્યાં બેન્ક રૂલ્સ મુજબ સુભાષભાઈ અને તેમના દીકરાએ રજીસ્ટરમાં એન્ટ્રી કરી હતી, જેથી બેંકના પટ્ટાવાળા વિપુલ કેસરીયા લોકરની બેંક પાસે રહેલ માસ્ટર કી લઇને આવ્યા હતા.
થોડા દિવસો બાદ ચેક કરતાં ફાળ પડી
તે સમયે સુભાષભાઇએ લોકર ઓપરેટ કર્યુ હતું અને અગાઉ મૂકેલા દાગીના લોકરમાં સહી સલામત છે કે નહીં તેની ચકાસણી કરી હતી, જ્યાં લોકરમાં દાગીના અને રોકડ સહીસલામત હોય તેઓ બૅક પ્રોસિજર પતાવી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ ૧૮ સપ્ટે, ર૦ર૪ના રોજ ફરી સુભાષભાઇ અને તેમનો મોટો દિકરો જીગ્નેશ બેંકમાં લોકર ઓપરેટ કરવા આવ્યા હતા ત્યારે પણ બેંકના પટ્ટાવાળા વિપુલ કેસરીયા ચાવી લઇને આવ્યા હતા. જો કે, લોકર ખોલતાં જ સુભાષભાઇને ફાળ પડી કારણ કે લોકર ખાલી હતું. લોકરમાં ફકત ઘડીયાળ, સોનાની બુટ્ટી, ચાંદીના સિકકા અને એક ઝુમ્મર હતું.
૬૦ તોલા સોનાના દાગીના તેમજ ૧૦.૫૦ લાખની રોકડ રકમ ગાયબ
લોકરમાંથી ૬૦ તોલા સોનાના દાગીના તેમજ ૧૦.૫૦ લાખની રોકડ રકમ ગુમ હતી. જેથી આ અંગે તેમણે તત્કાલીન બેંક મેનેજરને વાત કરતા બેંક મેનેજરે યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં આપતા સુભાષભાઈ પટેલે 25 ડિસેમ્બર 2024ના રોજ આણંદ રૂરલ પોલીસ મથક માં ફરિયાદ દાખલ કરાવી હતી અને ફરિયાદમાં બેંકના પટાવાળા વિપુલ કેસરિયા ઉપર શંકા હોઈ શકદાર તરીકે તેનું નામ લખાવ્યું હતું.
આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધી તાપસ શરુ કરી હતી જોકે પોલીસ બેંક ના પટાવાળા સુધી પહોંચે તે પહેલાજ પટાવાળા વિપુલ કેસરિયા ઘરેથી ફરાર થઇ ગયો હતો. બાદમાં સમગ્ર કેસની તાપસ આણંદ એલસીબીને સોંપાઈ હતી. શકદાર આરોપી વિપુલ કેસરિયાએ આ દરમિયાન કોર્ટમાંથી આગોતરા જામીન અરજી રદ્દ થતા અને કોર્ટ દ્વારા આરોપીને પોલીસ સમક્ષ સરન્ડર કરવા આદેશ આપ્યો. આખરે પાંચ મહિના બાદ વિપુલ વિનુભાઈ કેસરિયા ગત રોજ આણંદ એલસીબી ખાતે આવી પહોંચ્યો હતો અને પોલીસ સમક્ષ સરન્ડર કરી લેતા પોલીસે તેની કાયદેસરની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, જ્યાં કોર્ટ દ્વારા તેના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આરોપીએ પોતાનો લૂલો બચાવ કર્યો
પોલીસ દ્વારા હવે સમગ્ર કેસમાં તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં પણ તાપસ શરુ થઈ છે. લોકરમાંથી ગયેલ દાગીના અને રોકડ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે, શકદાર આરોપી વિપુલ કેસરિયા પોલીસ સમક્ષ હાજર થયો ત્યાર બાદ તેણે મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કર્યો હતો પોતે ફરિયાદીએ એફઆઈઆરમાં લગાવેલ આરોપ મુજબ તે દિવસે તે રજા ઉપર હતો અને તેણે બેંકનું લોકર ઓપરેટ નથી કર્યા નું રટણ ચાલુ રાખ્યું હતું.
ત્યારે સવાલ એ પણ થાય છે કે જો આરોપી નિર્દોષ હતો તો કોર્ટે તેના આગોતરા જામીન કેમ મંજુર ન કર્યા? શકદાર આરોપી વિપુલ વિનુભાઈ કેસરિયા આણંદ ખાતે ગણેશ ચોકડી નજીક આવેલ કેરા કેન બંગલા પાછળ આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેના પિતા પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. આ સાથે તેનો ભાઈ પણ અમદાવાદની બેંક ઓફ બરોડા શાખામાં નોકરી કરે છે એટલે કહી શકાય કે સામાન્ય કેસમાં પોલીસ તત્કાલ આરોપીને ઝડપી લેતી હોય છે ત્યારે આ ગંભીર ગુનામાં પોલીસે શકદાર આરોપી વિપુલ કેસરિયાને નીચલી કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી જવાના પાંચ પાંચ મહિના થવા છતાં તેની ધરપકડ કરવામાં કેમ કોઈ રસ ન દાખવ્યો તે પણ એક સવાલ છે. હાલ તો આરોપી ખુદ પોલીસ સમક્ષ હાજર થયો છે ત્યારે હવે જોવું રહ્યું પોલીસ આ કેસ માં શું પરિણામ પ્રાપ્ત કરે છે.