એક તરફ રાજ્યમાં પોલીસ તંત્ર આતંક ફેલાવનાર અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં વ્યસ્ત છે ત્યાં બીજી તરફ લુખ્ખાતત્વોનો આતંક યથાવત છે. તેવામાં આણંદમાં કેટલાક લોકો દ્વારા એસ.ટી. બસના ચાલકને જાહેરમાં માર મારવામાં આવ્યો.
આણંદના ઓડ ગામમાં લુખ્ખાતત્વોનો આતંક જોવા મળ્યો હતો. ઉમરેઠ અને સારસા વચ્ચેના ઓડ ગામના પિકઅપ બસ સ્ટેન્ડ પર કેટલાક લોકોના ટોળાએ એસ ટી બસના ચાલકને માર મરાયો હતો. શરૂઆતમાં એસ.ટી. બસ ડ્રાઈવર અને બાઈકચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. અચાનક સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બસ ચાલકને લાકડી અને દંડા વડે માર મરાયો હતો.
બાઇક ચાલકે અન્ય લોકોને ફોન કરીને બોલાવી ટોળાએ ભેગા થઈને બસના ડ્રાઇવરને માર મરાયો હતો. મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. મારામારીમાં ગંભીર ઈજાઓ થતા એસ.ટી. ડ્રાઇવરને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર બાદ એસ.ટી. ડ્રાઇવર ઘટનાની ફરિયાદ નોંધાવવા ખંભોળજ પોલીસ મથકે પહોંચ્યો હતો. વિડીયો વાઈરલ થતાં પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે.