Home / Gujarat / Anand : person entered the bungalow on the pretext of drinking water

વિદ્યાનગર: પાણી પીવાના બહાને બંગલામાં શખ્સ ઘૂસ્યો, વૃદ્ધાને બંધક બનાવીને લાખોની લૂંટ કરી ફરાર

વિદ્યાનગર: પાણી પીવાના બહાને બંગલામાં શખ્સ ઘૂસ્યો, વૃદ્ધાને બંધક બનાવીને લાખોની લૂંટ કરી ફરાર

આણંદ પાસેના વિદ્યાનગરના નાના બજાર વિસ્તારના સાબરમતી વાસ નજીક એનઆરઆઇની  બંગ્લોમાં અજાણ્યો શખ્સ પાણી પીવાના બહાને ઘૂસી આવ્યો હતો અને એનઆરઆઇ વૃદ્ધાને બંધક બનાવીને  હુમલો કરીને ૨.૫૦ લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી શખ્સ નાસી છૂટયો હતો. મહિલાને રેલિંગ સાથે બાંધેલી હાલતમાં લૂંટ કરીને શખ્સ ફરાર થઇ ગયો હતો અને પતિ આવતા મહિલાને મુક્ત કરી હતી. 

 શખ્સે પાણી પીવું છે તેમ કહી ઘરનો દરવાજો બંધ કરી અંદર આવ્યો

સોમવારના રોજ સાંજના ચાર વાગ્યાના સુમારે પતિ જગદીશભાઈ તેમના ડ્રાઈવર સાથે કાર લઈ બજારમાં ખરીદી અર્થે નીકળ્યા હતા અને સુદેવીબેન ઘરે એકલા હતા. થોડી જ વારમાં એક ૨૫ થી ૩૦ વર્ષના આશરાનો  શખ્સ ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો. સુદેવીબેને કોણ છો, શું કામ છે ? તેમ પુછતાં શખ્સે પાણી પીવું છે તેમ કહી ઘરનો દરવાજો બંધ કરી અંદર આવ્યો હતો. 

વૃદ્ધાને ઉંચકીને સોફામાં ફેક્યાં અને લાફો મારીને બાંધી દીધા

જો કે સુદેવીબેને અજાણ્યા શખ્સને બહાર જવાનું કહેતા જ તેણે  વૃદ્ધાને ઉંચકીને સોફામાં ફેક્યાં હતા અને લાફો ઝીંકી દીધો હતો. બાદ પોતાની સાથે રાખેલી દોરીથી વૃધ્ધાના બંને હાથ બાંધી દીધા હતા અને રૂમાલ વડે મોઢું દાબી દીધું હતું. બાદમાં વૃધ્ધાએ ગળામાં પહેરેલ સોનાની ચેઈન તથા બંને હાથે પહેરેલા સોનાની બંગડીઓ કાઢી લીધી હતી.મહિલાના ૨.૫૦ લાખના દાગીના લૂંટી લીધા હતા  ત્યારબાદ શખ્સે વૃદ્ધાને દુપટ્ટાથી ઘરના દાદરની રેલીંગ સાથે બાંધી દીધા અને અજાણ્યો  લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. વૃદ્ધાના પતિ જગદીશભાઈ ઘરે આવ્યા હતા અને તેઓએ સુદેવીબેનને મુક્ત કર્યા હતા.