
આણંદમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં કોર્ટમાંથી પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો હતો. આણંદ ટાઉન પોલીસ મથકનો પોક્સોનો આરોપી ભાગી જતા ચકચાર મચી જવા પામી હતી. જો કે, ગણતરીના સમયમાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
બિલોદરા જેલમાંથી ખેડા પોલીસ આરોપીને લઈ આણંદ કોર્ટમાં આવી હતી
મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લામાં બિલોદરા જેલમાંથી કોર્ટમાં હાજર કરવા ખેડા પોલીસ આરોપીને લઈ આણંદ કોર્ટમાં આવી હતી. જ્યાંથી કોર્ટરૂમમાંથી આરોપી પોલીસની નજર ચૂકવી ભાગી ગયો હતો. જેથી આણંદ ટાઉન અને ગ્રામ્ય પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે ભાગેલા આરોપીને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યો હતો.
જાન્યુઆરીમાં આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા પોક્સોના ગુનામાં આરોપી જેલવાસ ભોગવી રહ્યો હતો. 16 વર્ષીય કિશોરીને પિંખી નાખનાર 22 વર્ષીય ઉત્તરપ્રદેશનો આરોપી ચંદ્રપ્રકાશ કુશ્વાહને પોલીસે ઝડપી પાડ્યો છે.