બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તબાહી બોલાવી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી પણ પલળી ગઈ છે. પોતાના ઘરમાંથી જ ઘૂંટણસમા પાણીમાં સામાન લઈને નીકળવા માટે લોકો મજબૂર બન્યા છે. ભારે વરસાદને લીધે જિલ્લામાં પરિસ્થિતિ ડામાડોળ થઈ છે.
ઘરમાં પાણી ફરી વળતાં પારાવાર નુકસાન
વડગામમાં 8 ઇંચ અને પાલનપુરમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાલનપુરના ડોક્ટર હાઉસની પાછળના ભાગમાં તથા મફતપુરામાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી વળતાં ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં પારાવાર નુકસાન થયું છે. ઘરમાં પાણી ઘૂસી જતાં વૃદ્ધો અને બાળકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અવિરત વરસાદના કરાણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ, દાંતીવાડામાં 0.83 અને પાલનપુરમાં 0.79 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે.
બનાસકાંઠાની શાળાઓમાં રજા જાહેર
વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.