
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસની જીતથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઇ રહી છે.કોંગ્રેસને આ બેઠક જાળવી રાખવા તેમજ ભાજપને આંચકી લેવા રાજકીય ગણીત સાથે ઉમેદવારોની પસંદગી અંતિમ તબક્કામાં કરી છે. ચૂંટણી લડવાની જાહેરાત કરનાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન જાહેર કરતાં હવે આ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ જામ્યો છે. ઠાકોર મતદારોના બાહુલ્યવાળી આ બેઠક ઉપર મતદારો પોતાનો પ્રતિનીધિ ચૂંટવા ક્યા પક્ષના ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળે તે જોવું રસપ્રદ બન્યું છે.
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે જાતિવાદી મતબેંક કબજે કરવા સ્વરૂપજી ઠાકોરની સતત બીજીવાર પસંદગી કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે, 2022ની ચૂંટણીમાં વાવ બેઠકમાં ભાજપની ટિકિટ મેળવી સ્વરૂપજી કોંગ્રેસના ગેનીબેન સામે ઓછા મતથી હારી ગયા હતા.
રાજકીય વિશ્લેષકોના મતે વાવ બેઠક કોંગ્રેસના સાંસદ ગેનીબેન અને કોંગ્રેસનો ગઢ મનાય છે ત્યારે ભાજપે ગઢમાં ગાબડું પાડવાના ઇરાદે જાતિવાદી રણનીતિ અપનાવી છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પેટાચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાની તૈયારી બતાવીને છેલ્લે કોંગ્રેસને સમર્થન જાહેર કરી ચૂંટણીને રસપ્રદ બનાવી છે. ગ્રામીણ મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 3,10,681 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 2.10 લાખ યુવા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે.
મુખ્ય રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
બનાસકાંઠામાં વાવ બેઠકને લઇને વિધાનસભા પેટાચૂંટણીમાં મેન્ડેટ મળતાં જ સ્વરૂપજી ઠાકોરે ભાજપમાંથી જ્યારે ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકનો ઇતિહાસ
વાવ બેઠક ઉપર ઠાકોર, દલિત, માલધારી, ચૌધરી મતદારો નિર્ણઆયક છે. બેઠક પર મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નભે છે. ગુજરાતની રચના થઇ ત્યારથી 1990 સુધી કોંગ્રેસનો દબદબો હતો. 1995માં અપક્ષ અને 2007-2012માં બેઠક પર ભાજપની જીત થઇ હતી.
જાતિવાદી મતબેંકમાં કોંગ્રેસના ગુલાબસિંહની સ્થિતિ
વાવ બેઠક પર ઠાકોર, દલિત, માલધારી અને ચૌધરી સમાજ નિર્ણઆયક છે. જોકે, અહીં રાજપૂત સમાજના મતદારો અન્યોની સરખામણીમાં બહુ ઓછાં છે ત્યારે અહીં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે આવી સ્થિતિમાં થરાદ વિધાનસભા 2017ની ચૂંટણીમાં તમામ અઢારે વર્ણના લોકો સુધી પહોંચી જીત મેળવી હતી.
વાવના રાજકીય ઇતિહાસ પર એક નજર
1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ જેમાં વિધાનસભા ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ભાજપ બે વાર ચૂંટણની જીતી શક્યું છે. 1998 અને 2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા હતા. 2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ તથા 2012માં શંકર ચૌધરી જીત્યા હતા. 2017,2022 અને 2024માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા હતા.