
Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની પોલીસ કૉન્સ્ટેબલ વિદલભાઈએ પોતાના ઘરે મોડી રાત્રે પંખે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પોલીસ કૉન્સ્ટેબલ ભૂજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. પોલીસ કૉન્સ્ટેબલ વિદલભાઈ ચૌહાણના આપઘાત બાદ પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે. પોલીસ કૉન્સ્ટેબલની આત્મહત્યાને લઇ પોલીસ બેડામાં ચકચાર મચી છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામના વતની પોલીસ જવાન વિદલભાઈ ચૌહાણે ગત મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને સ્યૂસાઈડ નોટ લખીને પંખે લટકી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેને લઈ પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જો કે, મૃતકના પરિવારે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ મૂક્યો હતો. જે બાદ ફરિયાદ લીધા બાદ મૃતકના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.
મૃતક કૉન્સ્ટેબલ વિદલભાઈ ચૌહાણ ભૂજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. મૃતક પોલીસ જવાન વિદલભાઈએ સ્યૂસાઈડ નોટમાં એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઇ બી.પી.ખરાડીનું પ્રેસર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. નલિયા CHCના મેડિકલ ઓફિસર ડૉ.પરમારે મૃતક કોન્સ્ટેબલનું રૂબરૂ પરીક્ષણ કર્યા વગર ખોટો રિપોર્ટ કર્યો હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જેથી મૃતક કોન્સ્ટેબલની લાશને પોસમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પોલીસ કૉન્સ્ટેબલની આત્મહત્યાને લઇ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો.