
ડીસા ફટાકડા આગ વિસ્ફોટમાં ફેકટરીમાં કામ કરનાર પીડિતનો ખુલાસો સામે આવ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકે જણાવ્યું હતું કે, અમે આ ગોડાઉનમાં અગાઉ 15થી 17 દિવસ કામ કરીને ગયા છીએ. આ પહેલા પણ અમે અહીં આયા હતા અને હોળીની રજા હોવાથી પોતાના વતનમાં ગયા હતા. હોળીના તહેવાર બાદ અમે હજુ રવિવારે જ આવ્યા હતા અને મંગળવારે તો આ દુર્ઘટના થઈ ગઈ.
પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે ફેક્ટરીએ કોઈ નહોતું
જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે અમે 12 માર્ચના રોજ અહીં વીડિયોગ્રાફી કરીને ગયા છીએ અમને અહીં કોઈ જણાઈ આવ્યું નહોતું. તો બીજી તરફ ફટાકડા બનાવનાર પોતાના નિવેદનમાં જણાવી રહ્યા છે કે અમે અહીં હોળી પહેલા કામ કરીને ગયા હતા. જો કે, હોળી 14 માર્ચે હતી અને જિલ્લા SPની ટીમ 12 માર્ચના રોજ તપાસમાં પહોંચી હતી. તો આ રીતે જિલ્લા પોલીસ પોતાની ટીમ સાથે પહોચ્યા ત્યારે 15થી 17 દિવસ કામ કરીને અહીં કારીગરો હોળી મનાવવા પરત ગયા અને પોલીસ ટીમને અહીં કોઈ નજરે ન પડ્યું.
આમ પોલીસ દ્વારા કરવાની કામગીરી પર સવાલો ઉભા થયા છે કારણ કે ફટાકડા તો અહીં બની જ રહ્યા હતા. શું સ્થાનિક તંત્રને અહીં શું ચાલી રહ્યું છે તેની ભનક ન હતી કે પછી ખબર હોવા છતાં પોલીસ અને તંત્ર આ કામગીરી ચાલવા દેવા માંગતી હતી ? પોલીસ દ્વારા SITની કરવામાં આવેલ રચનામાં પણ સવાલો ઉભા થતા તેની પણ ફેરબદલી કરવામાં આવી છે.
દુર્ઘટનામાં 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા જેમાં પાંચ કિશોરનો પણ સમાવેશ
ગઈકાલે (1 એપ્રિલ) બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ મૃતકોમાં પાંચ જેટલા કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ અતિ ગંભીર બનાવની વિસ્તૃત, વિશ્લેષ્ણાત્મક અને તટસ્થ તપાસ કરવા પુખ્ત વિચારણાને અંતે સરકાર દ્વારા ખાસ તપાસ દળ(SIT)ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
SITની રચના
1) ભાવિન પંડ્યા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ (અધ્યક્ષ)
2) વિશાલ વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક (સભ્ય)
3) એચ.પી.સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર (સભ્ય)
4) જે.એ.ગાંધી, ચીફ એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ (સભ્ય)
આ ટીમ શું તપાસ કરશે?
SITની ટીમ દ્વારા તપાસ કરાશે કે કયા સંજોગોમાં અને કયા કારણોસર વિસ્ફોટનો બનાવ બન્યો હતો? જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તાતંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે નહીં? ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટેના વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય કે કેમ? જો હા તો તે અંગેની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. એક્સપ્લોઝિવ એક્ટ, 1884 અને એક્સપ્લોઝિવ રૂલ્સ, 2008ની જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં? ટીમ આવા કેટલાક મુદ્દાઓ પર તપાસ અને અભ્યાસ કરશે.