
Banaskantha News: બનાસકાંઠાના ભાભરમાં ગઈકાલે મારામારીનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભાભરમાં ઠાકોર અને દરબાર સમાજના કેટલાક લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. ઠાકોર સમાજના પાંચ ઈસમોને ગંભીર ઈજા થતાં ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સવારથી બપોર સુધી વાતાવરણ શાંત રહ્યા બાદ બપોરે ઠાકોર સમાજના યુવાનોએ હલ્લાબોલ કર્યો હતો. ઠાકોર સમાજના યુવાન સાથે સાંસદ ગેનીબેન ઠાકોર તથા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર યુવાનોની રેલીમાં હાજર રહ્યા હતા.
ઠાકોર સમાજના યુવાનોએ ભાભર શહેરમાં ફરીને જબરજસ્તી દુકાનો બંધ કરાવી હતી. દુકાનો બંધ કરાવતાં વેપારીઓએ ફટાફટ દુકાનો બંધ કરી દીધી હતી. તોફાની ટોળાએ પાણી પુરી તથા શેરડીના કોલાને નુકશાન પહોંચાડ્યું હતું તેમજ તોફાની ટોળાંને કાબુ કરવામાં પોલીસ નિષ્ફળ નિવડી હતી. ભાભરમાં તંગદિલી સર્જાય તેવી ભીતી વર્તાઈ રહી છે. ટોળાએ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરીને એક વ્યક્તિને હાથમાં તો બીજાને પગમાં ઈજા પહોંચાડી હતી. દરબાર સમાજના લોકો ભાભર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મામલે દરબાર સમાજની એકજ માંગ છે કે ગુનેગારને પકડી સજા કરો.
ભાભરમાં સામાન્ય ઝગડાએ મોટું રુપ ધારણ કરતા ખૂની ખેલ ખેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે દરબાર તેમજ ઠાકોર સમાજના જૂથ વચ્ચે ધીગાણું ખેલાતા પાંચ જેટલા લોકો ઘાયલ થયા હતા જેથી નાસભાગ મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લાના ભાભરમા કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ વાવ સર્કલ પર એકાએક બે જૂથો ધોકા તેમજ લાકડીઓ લઈ સામ સામે આવી જતા ધીંગાણું ખેલાતા નાસભાગ મચી જવા પામી હતી.
ગાડીની સાઈડ કાપવા બાબતે થયો હતો ઝગડો
ભાભર તાલુકાના ખડોસણના સંગ્રામજી ઠાકોર પરિવારના સભ્યો અને ભાભર દરબાર સમાજના યુવાનો વચ્ચે ગાડીની સાઈડ કાપવા બાબતે ગત રોજ ઝગડો થયો હતો. અને ગત સાંજે તે ઝગડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખડોસણથી પાંચ ઈસમો (પિતા - પુત્રો) ઇકો ગાડીમાં ભાભર વાવ સર્કલ પર આવતા દરબાર સમાજના યુવાનો હથિયાર લઈને સામ સામે આવ્યા હતા. એકબીજા પર તૂટી પડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
જેમાં ખડોસણથી આવેલ પાંચ સભ્યો પર ટોળું તૂટી પડતા લોહી લુહાણ હાલતમાં રોડ પર પટકાયા હતા. જીવલેણ હુમલો કરી હુમલા ખોરો ત્યાંથી નાસી ગયા હતા. જયારે આ ઘટનાની જાણ થતા ભાભર પોલીસ તાબડતોડ ઘટના સ્થળે આવી હતી. તમામ ઘાયલને 108 મારફતે ભાભર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલો પૈકી ત્રણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. જયારે બે ઘાયલ લોકોની ભાભર ખાતે સારવાર ચાલી રહી છે. જયારે ભાભર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.