
Bharuch news: રાજ્યમાં કૌભાંડનો સીલસીલો યથાવત્ છે. આ વખતે વારો છે ભરૂચ જિલ્લાનો. ભરૂચ જિલ્લામાં ચકચારી મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ તંત્રએ કર્મચારીઓ સામે તવાઈ બોલાવી છે. સરકારી તંત્રએ કુલ 21 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના પગલાં લીધા છે. કરાર આધારિત એપીઓ, ટેક્નિકલ આસિસ્ટંટ, એકાઉન્ટ આસિસ્ટંટ મળી 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં આમોદના 5, હાંસોટના 1, જંબુસરના છ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
મળતી વિગતો અનુસાર, રાજ્યમાં એકપછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આ વખતે ભરૂચમાંથી મનરેગા કૌભાંડ સામે આવતા તંત્રએ સાગમટે કુલ 21 કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. જેમાં કરાર આધારિત એ.પી.ઓ, ટેકનીકલ આસિસ્ટન્ટ,એકાઉન્ટ આસિસ્ટન્ટ મળી 21 કર્મચારીઓને સેવા માંથી દૂર કરી દીધા છે. ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોવાના આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. કર્મચારીઓને તગેડી મૂકને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા માણસો પૂરી પાડતી બનાસકાંઠાની બનાસ વિકાસ જાગૃતિ મંડળને પત્ર મોકલ્યો હતો.
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડની ફરિયાદ
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતીક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પીયૂષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.