ભરૂચ જિલ્લાના આમોદ ચોકડીથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. રસ્તા પર તળાવ જેવા ખાડા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ ઉઠવી પડી રહી છે. રસ્તાની દુર્દશાને લઈ આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરનારાઓની પોલીસે અટકાયત કરી હતી. એ દરમિયાન એક નેતા કાદવમાં બેસી ગયા હતાં.
કોંગી નેતા-કાર્યકરોનો વિરોધ
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રાષ્ટ્રિય રાજમાર્ગના ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન – કમળ – મૂકી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.‘કમળ ખાડામાં ખીલ્યું છે’, તેવું બતાવી ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા હતાં. આ કાર્યક્રમમાં જંબુસર આમોદ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, તેમજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિકોમાં રોષ
વિરોધ કરતાં કોંગી નેતાએ કહ્યું કે, ભાજપના જંબુસર આમોદ મત વિસ્તારના વર્તમાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ રસ્તાને લઈને 25 વર્ષની ગેરંટી આપી હતી, પરંતુ ગેરંટી આપ્યાના ફક્ત એક જ વર્ષે જ રોડ ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. આ બાબતે કોંગ્રેસે ધારાસભ્યની જવાબદારી નિભાવવામાં નિષ્ફળતા દર્શાવી છે અને તાત્કાલિક માર્ગ મરામત કરવાની માંગ ઊઠાવી છે.વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, પણ સ્થાનિકોમાં રસ્તાની હાલત અંગે અસંતોષ અને ગુસ્સો વ્યાપક રીતે જોવા મળી રહ્યો છે.