
રાજ્યના અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળોકારોબાર ઝડપાયો છે. GIDCમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી ડ્રગ્સના મોટા જથ્થાને સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યો છે, આ ડ્રગ્સની 250 કરોડની કિંમત આંકવામાં આવી છે.
પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય બે આરોપીઓને દબોચ્યા
પોલીસે દરોડા દરમ્યાન 14.10 લાખનું MD ડ્રગ્સ, 427 કિલો અન્ય શંકાસ્પદ ડ્રગ્સને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય બે આરોપીઓને દબોચ્યા છે. પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે આ કંપનીનો માલિક વિદેશમાં વસવાટ કરે છે.
અગાઉ આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાંથી મળ્યું હતું 5 હજાર કરોડનું ડ્રગ્સ
અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલ દવા ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીની છે અને તે ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે.
5 વર્ષમાં ગુજરાતમાં ઝડપાયું 93691 કિલો ડ્રગ્સ
રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો
મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.